• Gujarati News
  • 100 Years Of Anniversary Of Gandhiji First Time Come In Delhi

ગાંધીજીની પ્રથમ દિલ્હી મુલાકાતને સો વર્ષ પૂરાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 12 એપ્રિલે દિલ્હીમાં પ્રથમ વખત પગ મૂક્યો હતો

નવી દિલ્હી: આજથી બરાબર એક સો વર્ષ પહેલાં મહાત્મા ગાંધીએ પ્રથમ વખત નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. સાઉથ આફ્રિકાથી પરત ફર્યા બાદ મોહનદાસ કરમચંદ ગાંધીએ પહેલી વખત દિલ્હીમાં પગ મૂક્યો હતો. ગાંધીજી 9મી જાન્યુઆરી, 1915ના રોજ પોતાનાં પત્ની કસ્તુરબા સાથે સાઉથ આફ્રિકાથી ભારત પાછ ફર્યા હતા. સાચવીને રખાયેલા દસ્તાવેજો પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાંધીજી દિલ્હીમાં બે દિવસ રોકાયા હતા. આ દરમિયાન તેમણે કુતુબમિનાર, લાલ કિલ્લો, સેન્ટ સ્ટિફન કોલેજ અને સંગમ થિયેટરની મુલાકાત લીધી હતી.

ભારત પાછા ફર્યા બાદ ગાંધીજીએ લોકજીવનની જાણકારી મેળવવા માટે અને સામાન્ય લોકોની પરિસ્થિતિની જાણકારી મેળવવા માટે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો હતો. આ સલાહ ગાંધીજીને તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે તરફથી આપવામાં આવી હતી. 12મી એપ્રિલના રોજ ગાંધીજી કસ્તુરબા, રાઓજી કોટવાલ, દેવધર અને અન્ય સાથે આવ્યા દિલ્હી આવ્યા હતા. તેમણે કુતુબમિનારની લીધેલી મુલાકાતના કારણે અનેક વિચારો આવ્યા હતા. તેમના ગાઇડે જણાવ્યું હતું કે આ સ્થાપત્ય હિંદુ મંદિરોનો નાશ કરીને બનાવવામાં આવ્યું છે.

પ્યારેલાલ અને સુશિલા નાયરના પુસ્તક ‘મહાત્મા ગાંધી- ઇન્ડિયા અવેકન’માં લખાયું છે કે, બાપુએ અમને આગાખાન પેલેસમાં જણાવ્યું હતું કે આ દ્રશ્ય તેમને ખૂબ જ પીડા આપે છે. તેઓ તમામ ધર્મના લોકોને એક સમાન માનતા હતા. હિંદુ મંદિરોનો નાશ કરવા પાછળ રહેલી ધર્માંધતાએ તેમને ખૂબ જ વ્યથિત કર્યા હતા. બાદમાં 14મી એપ્રિલના રોજ ગાંધીજી વૃંદાવન જવા માટે રવાના થયા હતા. બાદમાં તેમણે મથુરાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે મદ્રાસ જવા માટે ટ્રેન પકડી હતી.

દિલ્હીમાં જ મૃત્યુ

ગાંધીજીની પ્રથમ દિલ્હી મુલાકાતની યાદગીરીરૂપે રાષ્ટ્રીય ગાંધી સ્મારકે ગાંધીજી અંગે ચર્ચાનું આયોજન કર્યુ છે. આ અંગે દિલ્હીના ચીફ ઇલેક્શન ઓફિસરે જણાવ્યું હતું કે અમે સેન્ટ સ્ટિફન કોલેજમાં નાનાકડા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. જેમાં ગાંધીજીની દુર્લભ તસવીરોનું પણ પ્રદર્શન કરવામાં આવશે, જે તેમની પ્રથમ મુલાકાત દરમિયાન ખેંચવામાં આવી હતી. ચીફ ઇલેક્શન ઓફિસર ચંદ્રભુષણ કુમારે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પ્રસંગ ખરેખર આપણા બધા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે 30મી જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીએ દિલ્હીમાં જ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.