વેરાખાડી સીમમાં મૃત્ત મરઘાનાં નિકાલ મુદ્દે ખાખીની તપાસ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહી કાંઠાનાં ખેરડાથી વેરાખાડી જવાના માર્ગ ઉપર સીમ વિસ્તારમાં કોઇ ઇસમ દ્વારા મોટીસંખ્યામાં નાંખવામાં આવેલા મૃત્ત મરઘાઓને કારણે બુધવારે દિવસ દરમિયાન ભયંકર દુર્ગંધનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું. આ બાબતે પ્રજામાં રોષ ફેલાતાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેરાખાડી ખાતે મહીસાગર નદીનાં કિનારે અનેક મંદિર આવેલા હોવાના કારણે ધાર્મિક મહાત્મ્ય રહેલું છે. આ સ્થળે અનેક ભાવિકો દર્શનાર્થે તેમ જ પવિત્ર સ્નાન માટે આવતાં હોય છે. આવા ધાર્મિક વાતાવરણ વચ્ચે મંગળવારની રાત્રે કોઇ ઇસમોએ ખેરડાથી છેક વેરાખાડી સુધીનાં રોડ ઉપરના વનવગડામાં વેરવિખેર હાલતમાં મૃત મરઘાં નાંખતો નાંખતો નીકળી ગયો હતો. મૃત મરઘાઓની દૂર્ગંધના કારણે વાતાવરણ પ્રદૂષિત બની ગયું હતું. બુધવારે આ માર્ગેથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ફરજિયાત નાક ઉપર રૂમાલ રાખવાની ફરજ પડતી હતી. થોડા થોડા અંતરે મૃત મરઘાઓને જોઇને કેટલાક ભાવિકોની લાગણી પણ દુભાઇ હતી. આ બાબતે પ્રજામાં રોષ ફેલાતાં પોલીસને રજુઆત કરી હતી. આ રજુઆતના પગલે ખંભોળજ પોલીસે અજાણ્યા શખસ સામે લોકોને ત્રાસ થાય તેવું કૃત્ય કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.