ચાલક પાસે કાગળો ન હોય તો વાહન ડિટેઇન કરાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં વાહનચોરી સહિ‌તના ગુનાખોરીના બનાવો બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસને ફરી મેદાને ઉતારવામાં આવશે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા આ સંદર્ભે મોટર વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવનાર છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, વાહનમાલિકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનોના કાગળો સાથે રાખવા ફરજિયાત છે. ચેકિંગ દરમિયાન આવા દસ્તાવેજો રજૂ કરવામાં નહીં આવે તો પોલીસ દ્વારા વાહન ડીટેઇન કરી લેવામાં આવશે. ગાંધીનગર જિલ્લા પોલીસવડા અર્ચના શિવહરેએ મિલકત વિરોધી ગુનાઓનું પ્રમાણ ઘટાડવા પ્રયાસો શરૂ કર્યા છે અને તેમાં નોંધનીય સફળતા મળી છે ત્યારે વધુ સારાં પરિણામો માટે પોલીસતંત્રને દોડતું કરવાના પ્રથમ ચરણમાં પોલીસને મોટર વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તે દરમિયાન માત્ર ગાંધીનગર શહેરમાં જ નહીં પરંતુ દહેગામ, કલોલ અને માણસા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વાહન ચેકિંગને સઘન બનાવવામાં આવશે. આ કામગીરીનો રિપોર્ટ પણ જિલ્લા પોલીસવડાની કચેરીને પહોંચાડવાનો રહેશે.જિ‌લ્લાભરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવશે. તે દરમિયાન ચોરીના વાહનનો શોધી કાઢવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સત્તાવાર પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વાહનચોરીના બનાવો વધુ બનતા હોવાથી શરૂ થનારી ઝુંબેશ દરમિયાન વાહનમાલિક પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના કાગળો માગવામાં આવશે અને તે નહીં હોય તો વાહન ડિટેઇન કરી લેવાશે.