વાહનની ટક્કરે ૨ યુવક, ૧ યુવતી કચડાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોગર સીમમાં ગ્રીન હાઉસની કામગીરી પૂરી કરી ખેતર માલિકનું બાઇક લઇ વડોદરા જતાં હાઇવે પર સર્જા‍યેલો ગમખ્વાર અકસ્માત આણંદના અડાસ સીમમાં નેશનલ હાઇવે ઉપર શુક્રવારે રાત્રે અજાણ્યાં વાહનની ટક્કર વાગતાં બાઇક ઉપર સવાર બે યુવક અને એક યુવતી મળી કુલ ત્રણનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. વાસદ પોલીસના જણાવ્યાં મુજબ, કર્ણાટકના રામગનર ખાતે રહેતાં ૨૮ વર્ષના સુધીર ચંદ્રકાંત પારનેકર અને મહારાષ્ટ્રના શિંદેવાડી ખાતે રહેતા ૨૭ વર્ષના દિપક કુભારકર ખેતરમાં ગ્રીન હાઉસ ફિટિંગનું કામ કરે છે. દરમિયાન વડોદરાના ગોત્રી ખાતે રહેતી ૨૩ વર્ષની જશોદા શાંતિલાલ રોહિ‌ત શુક્રવારે મોગર સીમમાં ગ્રીન હાઉસની કામગીરી માટે સુધીર અને દિપકની સાથે આવી હતી. મોડી રાત્રે કામ પૂરું થયાં બાદ ત્રણેય જણ ખેતર માલિકનું બાઇક નંબર જી.જે.૨૩.કયુ.૪૧૯ લઇને વડોદરા જવા નીકળ્યાં હતાં. દરમિયાન સાડા આઠેક વાગ્યે તેઓ અડાસ સીમમાં પટેલ કન્ટ્રક્શન પાસેથી પસાર થઇ રહ્યાં હતાં. તે વખતે કોઇ અજાણ્યાં વાહનચાલકે તેઓને જોરદાર ટક્કર મારી દીધી હતી. વાહનની ટક્કરને કારણે ત્રણેય જણ રોડ ઉપર પટકાયાં હતાં. જોકે, ટક્કર મારનાર વાહન આ ત્રણેયની ઉપર થઇને નીકળી ગયું હતું. એક સાથે ત્રણ જણ કચડાઇ જતાં અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગેની જાણ થતાં વાસદ પોલીસે ઘટના સ્થળે જઇ કચડાઇ ગયેલી ત્રણેય લાશનો કબજો લઇ પીએમ માટે મોકલી આપી હતી. આ અંગે આણંદના મુનાફભાઇ યુસુફભાઇ વોરાની ફરિયાદ આધારે વાસદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાસદ પોલીસ મોડી આવી રાત્રે સાડા આઠ વાગ્યે અકસ્માત થયો તે બાબતની જાણ એક વટેમાર્ગુએ વાસદ પોલીસને કરી હતી. જોકે, રાત્રિના સમયે ઉમરેઠમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમનો બંદોબસ્ત હોઇ વાસદ પોલીસ મથકનો મોટા ભાગનો સ્ટાફ ઉમરેઠ હોઇ એકાદ કલાક પછી પોલીસ સ્થળ ઉપર આવી હતી. બાદમાં ત્રણેયની લાશનો કબજો લઈ તેની ઓળખવિધિ સહિ‌તની કાર્યવાહી હાથ ધરી હતી. કમકમાટીભર્યુ મોત અજાણ્યા વાહનની ટક્કર બાદ બે યુવક અને એક યુવતી મળી ત્રણેય જણ રોડ ઉપર ફંગોળાયા બાદ તેઓની ઉપર જેણે ટક્કર મારી તે જ વાહન ફરી વળ્યું હતું. ત્યાર બાદ આવતાં જતાં વાહનો પણ આ લાશ ઉપરથી પસાર થતાં લાશનો કેટલોક ભાગ ચપ્પટ થઇ ગયો હતો. રોડ ઉપર ત્રણેયની લાશો જોઇ વાહનચાલકોને પણ કંપારી વછુટી જાય તેવા દૃશ્યો સર્જા‍યાં હતાં.