રાજ્યના લાખો કર્મચારીઓ આજે માસ CL પર ઉતરશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિવાલય ફેડરેશન, તલાટી મહામંડળ નહીં જોડાય કર્મચારીઓની પડતર માગણી અંગે બુધવારે સરકાર અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ વચ્ચે ચર્ચા-મંત્રણાના પ્રયાસો નિષ્ફળ નીવડતાં રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ ગુરુવારે માસ સીએલમાં જોડાતા ગાંધીનગરથી ગ્રામ્યસ્તર સુધીનું વહીવટીતંત્ર ઠપ થઈ જશે. બીજી તરફ સચિવાલય ફેડરેશન અને તલાટી મંડળ સહિ‌તના કેટલાક મંડળોએ માસ સીએલમાં ન જોડાવાની જાહેરાત કરી છે. સમિતિના આગેવાનોએ ગુરુવારે ગાંધીનગરથી ગ્રામ્યસ્તર સુધીના તંત્રને ઠપ થઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો શિક્ષકોના કેટલાક મંડળોએ કાળી પટ્ટી ધારણ કરી ટેકો જાહેર કર્યો છે. તબીબોએ આવશ્યક સેવા ન ખોરવતાં કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારે દિવસ દરમિયાન સંકલન સમિતિના હોદ્દેદારોને મનાવવા માટે સરકારના પ્રતિનિધિઓ અને સાંજ સુધી છેલ્લી ઘડીના પ્રયાસો કર્યા હતા, પરંતુ સમિતિના હોદ્દેદારોએ બદલી અને પોલીસ કેસ પાછા ખેંચવાની માગણી સ્વીકારવામાં આવે પછી જ મંત્રણા કરવાનો આગ્રહ સેવતા અંતે સરકાર અને કર્મચારીઓ વચ્ચેની વાટાઘાટ પડી ભાંગી હતી. રાજ્ય સરકારના કર્મચારીઓની પડતર માગણી અને છઠ્ઠા પગાર પંચના પૂર્ણ અમલની માગણી અંગે માસ સીએલના એલાન પૂર્વે બુધવારે સામાન્ય વહીવટ વિભાગે કર્મચારી સંકલન સમિતિના હોદ્દેદારોને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ સહિ‌તના આગેવાનોએ હોદ્દેદારો સામેના પોલીસ કેસ અને બદલીના આદેશો રદ કરવામાં ન આવે ત્યાં સુધી ચર્ચા કરવા સ્પષ્ટ નન્નો ભણી દીધો હતો.