છાપરાના લશ્કરી જવાનનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓરિસ્સામાં રાઉન્ડ દરમિયાનની ઘટના મહેમદાવાદ પંથકના વતન ખાતે લશ્કરી સન્માન સાથે અંતિમવિદાય અપાઈ ઓરિસ્સા ગોપાલપુરા ખાતે આર્મી‍ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતાં મહેમદાવાદ તાલુકાના છાપરા ગામના વતની જવાનનું તળાવમાં આકસ્મિક રીતે ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. આ લશ્કરી જવાનનો મૃતદેહ સોમવારે લશ્કરી સન્માન સાથે તેમનાં વતન છાપરા ખાતે લાવવામાં આવ્યો હતો. મહેમદાવાદ તાલુકાના છાપરા ગામના દિનેશભાઈ ચૌહાણનો મોટાં દીકરાં રામસિંહ(ઉં.વ.૨૨) ગત ડિસેમ્બર, ૨૦૧૧માં લશ્કરમાં જોડાયાં હતાં. રામસિંહ ચૌહાણ ઓરિસ્સા ખાતે આવેલા ગોપાલપુરા આર્મી સેન્ટરમાં ફરજ બજાવતા હતા. દરમિયાન ૨૧મી સપ્ટેમ્બરના રોજ રાઉન્ડમાં નીકળ્યાં હતા. દરમિયાન એક તળાવની પાળ પરથી પસાર થતાં હતા. શેવાળના કારણે આકસ્મિક પગ લપસતાં તેઓ તળાવમાં પડી ગયા હતા, જ્યાં તળાવમાં ગંદકી, કાદવ અને વેલાના કારણે ફસાઈ જવાથી તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ છાપરા ગામમાં થતાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દરમિયાન સોમવારે લશ્કરી જવાન રામસિંહ ચૌહાણનો મૃતદેહ લશ્કરી સન્માન સાથે તેઓના વતન છાપરા ખાતે લાવવામાં આવ્યો હતો. સદ્દગત જવાનની અંતિમયાત્રામાં ગામ તથા જિલ્લાના અગ્રણીઓ, સ્થાનિક પોલીસ અધિકારીઓ જોડાયા હતા. અંતિમ સંસ્કાર બાદ તેઓની શોકસભા રાખી, બે મિનિટનું મૌન પાળ્યું હતું.