૭૦૦ ભાડું રૂ. ૭પ,પ૦૦માં પડ્યું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડદલાના રિક્ષાચાલકને કેફીપીણું પીવડાવી લૂંટી લીધો અમદાવાદની શાંતિપુરા ચોકડી પાસેની ઘટના ચાલકને બેભાન કરીને ગઠિયો ખિસ્સામાંથી રોકડ રકમ તેમ જ રિક્ષા લઈને નાસી છુટ્યો બાલાસિનોર તાલુકાનાં વડદલા તાબે આવેલા બાદરપુરાનાં એક રિક્ષાચાલકને અમદાવાદની શાંતિપુરા ચોકડી પાસે ઠંડા પીણાંમાં કેફીદ્રવ્ય પીવડાવીને રૂ. પ૦૦ અને રિક્ષા અંદાજિત કિંમત રૂ. ૭પ હજારની લૂંટ કરીને એક ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે રિક્ષાચાલકની ફરિયાદ આધારે બાલાસિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડદલા તાબે બાદલપુરામાં અરવિંદભાઈ ખાંટ રિક્ષા નં. જી.જે.૭.વી.ડબલ્યુ-૩૬૭૨ ધરાવે છે અને તેઓ બાલાસિનોર સેવાલિયા રોડ ઉપર આવેલ લકવાના દવાખાના સામે રિક્ષા પાર્ક કરીને મુસાફરની પ્રતિક્ષામાં ઉભાં હતાં. તે સમયે એક ઈસમ સફેદ શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરીને આવ્યો હતો અને તેણે અમદાવાદ જવા માટે કહ્યું હતું. પરંતુ અરવિંદભાઈએ અમદાવાદ શહેરના રસ્તા જોયા ન હોવાના કારણે તેમણે શૈલેષ બિજલ પરમારને રિક્ષા લઈને આ ફેરો મારી આવવા માટે જણાવ્યું હતું. જેનું રૂ. ૭૦૦ ભાડું પણ નક્કી કરાયું હતું. સોમવારે બપોરે ૩.૧૦ કલાકે તે સદર મુસાફરને લઈને અમદાવાદ તરફ રવાના થયો હતો. અમદાવાદમાં આવેલ શાંતિપુરા ચોકડી નજીક આ ઈસમે રિક્ષાને ઉભી રખાવી હતી અને પાનનાં ગલ્લા પરથી ઠંડુ પીણું મંગાવ્યું હતું. તે સમયે જ ઠંડા પીણાંમાં કેફીદ્રવ્ય નાખીને રિક્ષાચાલક શૈલેષને આપ્યું હતું. પરંતુ શૈલેષ આ વાતથી અજાણ હોય તેણે ઠંડુ પીણું પીતાંની સાથે જ તે બેભાન થઈ ગયો હતો. જેથી શૈલેષનાં ખિસ્સામાંથી રૂ. પ૦૦ અને રિક્ષા અંદાજિત કિંમત રૂ. ૭પ હજારની લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો. તેમને ભાન આવ્યું ત્યારે તે હેબતાઈ ગયો હતો અને તેણે આ બાબતે રિક્ષાનાં માલિક અરવિંદભાઈને સમગ્ર ઘટનાક્રમની જાણ કરી હતી, જેથી અરવિંદભાઈએ બાલાસિનોર પોલીસ મથકે પોતાની રિક્ષા ચોરાઈ જવાની અને શૈલેષને લૂંટી લેવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈએ વધુ તપાસ આદરી છે.