વાહનની ટક્કરે વિદ્યાર્થીનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદના દેગામ રામનગરો વિદ્યાર્થી શાળાએથી સાયકલ પર પરત ફરી રહ્યો હતો ડભાણ સીમમાં નેશનલ હાઇવે ૮ ઉપર બનેલી ઘટના નડિયાત તાલુકાના ડભાણ ગામની સીમમાં શુક્રવારે એક અજાણ્યાં વાહન ચાલકે સ્કૂલેથી પરત ફરતાં રામનગર પરાંના વિદ્યાર્થીની સાયકલને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે અજાણ્યાં વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, નડિયાદ તાલુકાના દેગામ રામનગર પરાંમાં રહેતાં નટુભાઇ મગનભાઇ ચુનારાનો દીકરો વિજય (ઉ.વ.૧૧) ડભાણ સી.એમ. પટેલ હાઇસ્કૂલ ધો.૬માં અભ્યાસ કરતો હતો. શુક્રવારે સ્કૂલ છૂટયાં બાદ વિજય પોતાની સાયકલ લઇ ઘરે જવા નીકળ્યો હતો. રામનગરપરા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૮ પર ડભાણ ગામની સીમમાં આવેલી ચાવલા હોટલ પાસેથી વિજય ચુનારા સાયકલ લઇને પસાર થતો હતો. તે સમયે પાછળથી પુરપાટ ઝડપે આવતાં કોઇ અજાણ્યાં વાહને વિજયની સાયકલને ટક્કર મારતાં તે રોડ પર પટકાયો હતો. આ અકસ્માતમાં સાયકલનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. રોડ પર પટકાયેલાં વિજયને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે રામસિંગ મગનભાઇ ચુનારાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે અજાણ્યાં વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ જયંતિભાઇ ચલાવી રહ્યા છે. સ્કૂલે મૌન પાળી શિક્ષણકાર્ય બંધ રાખ્યું ડભાણી સી.એમ. પટેલ હાઇસ્કૂલમાં ધો.૬માં અભ્યાસ કરતાં વિજય ચુનારાનું શુક્રવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ શનિવારે હાઇસ્કૂલના આચાર્યને થતાં સમગ્ર શાળા પરિવારના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી સ્કૂલનું કામકાજ બંધ રખાયું હતું.