તળાવ ૯૯૯ વીઘાનું છતાંય જળવૈભવ તળિયે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઘાસ સીમનું છીછરું તળાવ પાંચ ફૂટ ઊંડુ કરવા માગ તળાવની જળક્ષમતા વધે તો ૨પ૦ હેક્ટર કૃષિલક્ષી જમીનને બે સીઝન સિંચાઈનો લાભ મળી શકે કપડવંજ તાલુકાના વઘાસ પાસેનું ૯૯૯ વીઘામાં પથરાયેલા તળાવમાંથી પંથકમાં ૨પ૦ હેક્ટર કૃષિલક્ષી જમીનને સિંચાઈનો લાભ મળે તેમ છે, પરંતુ વઘાસ તળાવ છેલ્લાં ઘણા સમયથી સાવ છીંછરું બની ગયું છે. એથી તેને ઊંડું કરવું જોઈએ તેવી માગ ખેડૂતોમાં ઊઠી છે. આ ઉપરાંત ચાલું સાલે સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન ધામણી નદીમાંથી વઘાસ તળાવ સુધી કેનાલ સાફ કરાવી તળાવ ભરવાથી હાલ ઓવરફ્લો થયું છે. જેનાંથી શિયાળામાં ખેડૂતોને વાવણી ટાણે ઉપયોગી થઈ શકશે. વઘાસ તળાવમાંથીથી પંથકના લાડુજીના મુવાડા, વ્યાસવાસણા, જમાદારની મુવાડી, પીરોજપુર, ભેજલી, અલવા અને ભૂંગળિયા વગેરે ગામોના ખેડૂતોની ૨પ૦ હેક્ટર જમીનને ફાયદો થઈ શકે તેમ છે. ૯૯૯ વીઘામાં પથરાયેલ વિશાળ તળાવ છીછરું છે. એથી સિંચાઈ વિભાગ દ્વારા તળાવને ખાલી થાય હોય ત્યારે જો તેને પાંચ ફૂટ જેટલું ઊંડું કરવામાં આવે તો ખેડૂતોને બે સીઝનની ખેતી ટાણે તેનો લાભ મળી શકે તેમ છે. આ ઉપરાંત વઘાસ તળાવને સુજલામ સુફલામ યોજનામાં સમાવેશ કરવા માટે પણ વઘાસ પંથકના ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. તળાવનો સુજલામ સુફલામનાં કમાન્ડ એરિયામાં સમાવેશ થાય તો બાયડ તાલુકાના લોક ડેમ દ્વારા જ્યારે જરૂર પડે ત્યારે તળાવ ભરી શકાય તેમ છે. પાંચ ફૂટ ઊંડું કરાશે કપડવંજ તાલુકાના લાડુજીના મુવાડા સેવા સહકારી મંડળીના ચેરમેન નરેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે 'વઘાસ તળાવ સાવ છીછરું છે. તેમાંય તળાવમાં માટીનું પુરણ થઈ જવાથી અપેક્ષા મુજબ પાણી સ્ટોરેજ થતું નથી, જેથી આગામી ઉનાળાની સીઝન દરમિયાન જવાબદાર તંત્રવાહકો દ્વારા તળાવને પાંચ ફૂટ ઊંડું કરવાથી પાણીનું સ્ટોરેજ વધી જશે. એથી વિસ્તારનાં ખેડૂતોને બારેય માસ સિંચાઈનો લાભ મળશે. હાલમાં ધામણી નદીના પાણીથી તળાવ ઓવરફ્લો થવાથી આસપાસના વિસ્તારમાં બોરકૂવાના જળસ્તરને પણ ફાયદો થયો છે.’