સાંપાના યુવાનને ડેન્ગ્યુ ભરખી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દહેગામમાં કુલ ૩ કેસ છતાં આરોગ્ય તંત્ર લાપરવાહ દહેગામ શહેર સહિ‌ત તાલુકાનાં ગામોમાં ડેન્ગ્યુ નામનો જીવલેણ રોગ પગ પેસારો કરી રહ્યો છે. સાંપા ગામમાં રહેતા યુવાનનું શંકાસ્પદ ડેગ્યુને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે બીજી તરફ દહેગામ શહેરમાં બે વધુ ડેન્ગ્યુના કેસ નોંધાતો લોકો ચિંતિત બન્યા છે.પરંતુ આ ઘટના બાદ પણ આરોગ્ય તંત્ર નિ‌શ્ચિ‌ત બની આંખ આડાકાન કરી રહ્યું છે. દહેગામ શહેરમાં શ્રીનાથજી બંગલો ખાતે થોડા દિવસ અગાઉ નીલ નામના કિશોરને ડેન્ગ્યુ થયા બાદ તેજ વિસ્તારમાં રહેતાં વિશ્વ દિપ નામનાં ૧૧વર્ષી‍ય બાળકને પણ ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.જયારે અભિષેક એપાર્ટમેન્ટના રહેતી ૨૨ વર્ષીય દિશા અંકિતભાઇ અમીનને પણ ડેન્ગ્યુના લક્ષણો જણાતા હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ છે. શંકાસ્પદ ડેન્ગ્યુના જીવલેણ રોગમાં સાંપા ગામ ખાતે રહેતાં નિલેશ પટેલ નામના ૨૨ વર્ષીય આશાસ્પદ યુવાનનું મોત થયું છે.આમ દહેગામ શહેર અને તાલુકામાં ડેન્ગ્યુ નામનો રોગ અજગર ભરડો લઇ રહ્યો છે.તેવા સમયમાં પણ આરોગ્ય તંત્રની ઊંધ ઊડી નથી.આરોગ્ય વિભાગ ડેન્ગ્યુના રોગચાળાને ગંભીરતાથી નહી લેતા શહેરમાં હજી પણ રોગ વકરવાની દહેશતથી પ્રજામાં ચિંતા પ્રસરી છે.શહેરમાં વકરી રહેતા ડેન્ગ્યુના રોગચાળા અંગે બ્લોક હેલ્થ ઓફિસર રજનીકાંત પટેલનો મોબાઇલ સંપર્ક કરતાં તેમનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. શહેર અને તાલુકામાં આવી ગંભીર સ્થિતિ હોવા છતાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોવા અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાકેશ વૈધનો સંપર્ક કરતાં તેમણે આ અંગે તપાસ કરાવી શહેર અને તાલુકામાં ડેન્ગ્યુ વકરે નહીં તે માટે સર્વે તેમજ દવા છંટકાવની કામગીરી ઝડપી કરાશે તેમ જણાવ્યું હતું.