ગુજરાતમાં ૧૦ વર્ષમાં એક પણ આઇટી કંપની આવી નથી: મોઢવાડિયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- છાત્રોને મફત લેપટોપ માટે ઓનલાઇન રજિ.નો પ્રારંભ - મામૂલી ભાવે જમીનો વેચવા છતાં આઇટી ઉદ્યોગો આવ્યા નથી : મોઢવાડિયા ગુજરાતના મુખ્યપ્રધાને ઈન્ફર્મેશન ટેક્નોલોજીમાં ‘ડેસ્ટિનેશન ગુજરાત’ના રૂપાળા શબ્દો વેરીને સત્યમ સહિતની અનેક કંપનીઓને કરોડો રૂપિયાની જમીન મામૂલી ભાવે વેચી મારી છે, પરંતુ ૧૦ વર્ષના તેમના શાસનમાં એક પણ આઈટી કંપની ગુજરાત આવી નથી. સરકારે આ ક્ષેત્રમાં સરકારી તિજોરીમાંથી જે ખર્ચ કરવો જોઈએ તે કર્યો નથી, ત્યારે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીના ‘એમ્પાવર યૂથ-એમ્પાવર ઈન્ડિયા’ના સ્વપ્ને સાકાર કરવા ગુજરાત કોંગ્રેસ એક મહિનામાં રાજ્યના ૫૦ યુવાન-યુવતીઓને વિનામૂલ્યે લેપટોપ આપશે, એમ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે. તેમણે ગુજરાત કોંગ્રેસની સત્તાવાર વેબસાઈટ પર લેપટોપ મેળવવા ‘ઓનલાઈન રજિસ્ટ્રેશન’નો પ્રારંભ કરાવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, લીનોવો કંપનીનું જી-૫૮૦, ડ્યુઅલ કોર પ્રોસેસર, ૪ જીબી રેમનું લેપટોપ બેગ સાથે આપવામાં આવશે. રજિસ્ટ્રેશનની કામગીરી એક મહિનામાં પૂર્ણ કર્યા બાદ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાત એમ ચાર ઝોનના ૧૨-૧૨ મળી કુલ ૫૦ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ડ્રો કરીને લેપટોપ અપાશે. જ્યાં ઓનલાઈનની સુવિધા ન હોય ત્યાં વિદ્યાર્થી પાંખના કાર્યકરો કોલેજોમાં ફરીને વિદ્યાર્થીઓ પાસે ઓફલાઈન ફોર્મ ભરાવશે. આ ફોર્મનો રજિસ્ટ્રેશન કોડ અપાશે.