જપ્ત કરાયેલાં ટ્રેક્ટર્સ મૂકવા ભૂસ્તર વિભાગ પાસે જગ્યા જ નથી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં નદીના પટમાંથી ગેરકાયદે રીતે રેતીની ચોરી થવાના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે તે રીતે રેતીચોરીમાં વાહનો જપ્ત થવાની સંખ્યા પણ વધી રહી છે. ફાળવણીના અભાવે જપ્ત કરાયેલાં ટ્રેક્ટર્સ મૂકવા માટે ભૂસ્તર વિભાગ પાસે જગ્યા જ નથી. હાલમાં બહુમાળી ભવનના કમ્પાઉન્ડમાં રેતી ભરેલાં ટ્રેક્ટર્સ મૂકવાં પડે છે. તાજેતરમાં એક સપ્તાહમાં ભૂસ્તર વિભાગે રેતીચોરીમાં સંડોવાયેલા ૧૭ જેટલાં ટ્રેક્ટર્સ જપ્ત કર્યાં છે. નદીના પટમાંથી રેતીની ચોરી કરાતી હોવાની બાતમીના આધેર ભૂસ્તર વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવે છે. બાદમાં ઘટનાસ્થળેથી રેતીચોરીના ઉપયોગમાં લેવાયેલાં વાહનો જપ્ત કરવામાં આવે છે. જોકે જપ્ત કરાયેલાં વાહનો રાખવાનો મુદ્દો ભૂસ્તર વિભાગ માટે સમસ્યા નોંતરી રહ્યો છે. માર્ગ-મકાન વિભાગને વારંવાર જાણ કરવા છતાં વાહનો રાખવા માટે જગ્યાની ફાળવણી કરવામાં આવતી નથી. જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી એમ. એસ. શેખે જણાવ્યું હતું કે જગ્યાના અભાવે બહુમાળી ભવનમાં ટ્રેક્ટર્સ અને ડમ્પર્સ મૂકવા પડે છે. ઘણી વાર વાહનોની સંખ્યા વધી જવાને કારણે કમ્પાઉન્ડમાં જગ્યા પણ નથી મળતી. આ સ્થિતિમાં મુશ્કેલી સર્જા‍ય છે. બહુમાળી ભવનના કમ્પાઉન્ડમાં પહેલેથી જ વાહનો મૂકવામાં આવ્યાં હોય અને બીજાં વાહનો જપ્ત કરવામાં આવે ત્યારે નવાં વાહનો ક્યાં મૂકવા તે પ્રશ્ન ઊભો થાય છે. માર્ગ-મકાન વિભાગને આ અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. ભૂસ્તર વિભાગે ગત સપ્તાહ દરમિયાન કુલ ૧૭ વાહન જપ્ત કર્યાં છે, જેમાં ઝાંક ગામ પાસેથી ગામના જ ભલાજી ગાભાજી ઠાકોર, પુધરા રોડ પરથી મહુડીના સુરતાજી ભીખાજી વણઝારા અને અનોડિયાના રૂપસિંહ લાલસિંહ રાઠોડ, પેથાપુર-મહુડી રોડ પરથી શિવા ગંગાભાઈ રોત, જિતેન્દ્રસિંહ શિવસિંહ વાઘેલા, અનોડિયા-મહુડી રોડ પરથી વજેસિંહ રામસિંહ રાઠોડ, કુડાસણ પાટિયા પાસેથી શાહપુર ગામના રમતુજી કેશાજી ઠાકોર, માણસા સિવિલ હોસ્પિટલ પાસેથી લીંબોદરાના બળવંતસિંહ પરબતસિંહ વાઘેલા, રમણજી મંગાજી ઠાકોર, વિરા તલાવડી રોડ પરથી વલાદના રમણજી મોતીભાઈ પટેલ તથા કોદરાલી ગામમાંથી કડાદરાના વિક્રમ પ્રભાતભાઈ રબારીનાં વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.