આપઘાતની ધમકી આપી મોદીએ પચાવી હતી ગાદી: કેશુભાઈ પટેલ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હવે સત્તાનો લેશમાત્ર અભરખો નથી : કેશુભાઈ પટેલ
- હાઇટેક બનેલા કેશુભાઈ પટેલે બ્લોગ પર લખ્યું કે વાઇબ્રન્ટ અને ગરીબકલ્યાણ મેળા સરકારના તાઇફા છે

૧૯૯૮થી ૨૦૦૧ દરમિયાન દિલ્હીમાં અડવાણીના બંગલે હઠ કરી ભૂખ હડતાળ કરી, આપઘાત કરવાની ધમકી આપી, ષડ્યંત્રો કરી મોદી ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા. હાઇટેક બનેલા કેશુભાઈએ બ્લોગમાં જબરદસ્ત બળાપો કાઢતાં તેમણે કહ્યું કે શાસનમાં ઊભી થયેલી પરિસ્થિતિથી તંગ આવીને તેમણે મોરચો ખોલ્યો હોવાનું તો તેઓ વારંવાર કહી ચૂક્યા છે, પરંતુ આજે એક વાતની તેમણે સ્પષ્ટતા કરી છે કે મને હવે સત્તાનો લેશમાત્ર અભરખો નથી.

બીજીતરફ નરેન્દ્ર મોદીએ પોતે મુખ્યંમત્રી બન્યા ત્યારની ઘટના ઘણીવાર જાહેરમાં કહી છે. અટલબિહારી વાજપેઇએ મોદીને પહેલીવાર ફોન કર્યો ત્યારે મોદી સ્મશાનમાં હતા. વાજપેઇએ જ્યારે મોદીને પોતાના ઘરે બોલાવ્યા ત્યારે મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો તેમાં અડવાણીએ દરમિયાનગીરી કરી અને મોદીને ફરી ફોન કર્યો અને મુખ્યમંત્રી બનવા માટે કહ્યું. વાજપેઇ, અડવાણી અને જનાક્રિશ્નામૂર્તિએ મોદીને ગુજરાતની સેવા કરવાનું કહ્યું હતું. આ ત્રણેય નેતાઓના આદેશ બાદ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બનવા સંમત થયા હતા.


કેશુભાઈએ બ્લોગમાં લખ્યું છે કે છેલ્લાં ૬૮ વર્ષથી મારી રાજકીય કારકિર્દીથી સૌ વાકેફ છે. બીજા વિશ્વયુદ્ધ અને બ્રિટિશકાળ (૧૯૪૪)થી હું આરએસએસનો સ્વયંસેવક છું અને તેનો મને ગર્વ છે. ગુજરાતમાં ભારતીય જનસંઘની સ્થાપના કરી. જનેતાથી પણ વિશેષ પાર્ટીનું જતન કરી પગનાં તળિયાં અને ઢીંચણ ઘસી નાખ્યાં.

લોહી-પાણી એક કર્યાં. રોટલા કરતાં પણ વિશેષ પોલીસના ધોકા ખાધા, અનેક સત્યાગ્રહો કર્યા. અનેક વખત ધરપકડ વહોરી, જેલવાસો પણ ભોગવ્યા. પરિણામે સૌના સાથથી ૧૯૯પમાં પાર્ટી વટવૃક્ષ બની સત્તામાં આવી. પાર્ટીએ મને ઘણું આપ્યું. સુધરાઈ સભ્યપદ ૧ વાર, ધારાસભ્યપદ ૬ વાર, મિનિસ્ટર ૨ વાર, ચીફ મિનિસ્ટર પદ ૨ વાર, લોકસભા અને રાજ્યસભા એક-એક વાર આપ્યું.

ગુજરાતમાં બીપીએલની સંખ્યામાં વધારો

ગુજરાતમાં બીપીએલ કુટુંબોની સંખ્યામાં ૩૯ ટકાનો વધારો
આદિવાસી ક્ષેત્રમાં ૭૦ ટકા પરિવારો ગરીબ
બિહાર, ઓરિસ્સા, છતીસગઢનો જીડીપી ગુજરાત કરતાં વધારે
ઇન્ડિયન હ્યુમન ડેવલપમેન્ટમાં પણ ગુજરાત ૧૧મા નંબરે
સરકારી આંકડા મુજબ ૧૦ લાખ યુવાનો બેરોજગાર
રાજ્યનું દેવું ૧.૨પ લાખ કરોડે પહોંચ્યું

લોકપ્રતિનિધિને બીચારા-બાપડા બનાવ્યા

બંધારણીય વ્યવસ્થાના વાહકો જેવા સીએજી, પીએજી , વિધાનસભા, વિરોધપક્ષ વગેરેને મશ્કરીરૂપ કરી નાખ્યા છે. કટોકટી કાળની જેમ અખબારના પ્રતિનિધિઓને ધમકીઓ અપાય છે. ગામેગામ ગલીગલીએ લુખ્ખાઓ અને ગુંડાદાદાઓ બેસી ગયા છે. સરકારે જ અધિકારીઓને પક્ષની કામગીરીમાં રોકી અને તેમના દ્વારા ખંડણીરૂપી ચૂંટણીફંડ ઉઘરાવી પ્રજાના પ્રતિનિધિને બીચારા-બાપડા, નિ:સહાય બનાવી દીધા છે.

મોદીનો વહીવટ મદારી જેવો

આજની પરિસ્થિતિથી આપ સૌ વાકેફ છો. મોદીની હિ‌ટલરશાહી અને ઠગ-ભવાયા-મદારી જેવા વહીવટથી પ્રજા પાર્ટી, વહીવટતંત્ર વગેરે ત્રાહિ‌મામ્ છે. હા, મુઠ્ઠીભર વ્યક્તિઓને મન મોદી કામધેનુ ગાય કે પારસમણિસમાન છે.
Related Articles:

કેશુભાઇના કાર્યક્રમના બેનર ફાડી નખાયાં
મોદી સરકારના ભ્રષ્ટાચારને બાગી ધારાસભ્ય ખુલ્લો પાડશે
પ્રજાને ગુમરાહ કરે છે મોદી સરકાર: કેશુબાપા
મોદી એક બાબતે કેશુબાપા કરતાં પાછળ રહી ગયા!
સુરતનાં પટેલો મોદી ને સાથ આપશે કે કેશુભાઇને?