નડિયાદ સેવાસદનની જોખમી ટાંકી ઊતારી લેવા માગણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બિસ્માર અવસ્થાનાં પગલે ટાંકીનો વપરાશ બંધ કરી દેવાયો

નડિયાદ નગર સેવા સદનનાં કમ્પાઉન્ડમાં આવેલ પાણીની જૂની ઓવરહેડ ટાંકી છેલ્લાં ઘણાં સમયથી સાવ જર્જરિત અને બિસ્માર થઇ ગઇ છે. આ ટાંકી ગમે ત્યારે ધરાશાયી તેવી સ્થિતિ છે. આ ભયજનક ટાંકી તૂટી પડે તો મ્યુનિ. શોપીંગ સેન્ટરને ભારે નુકશાન તેમ જ દિવસનાં સુમારે કડડભૂસ થાય તો જાનહાનિ થાય તેવી ભીતિ હોઈ શોપીંગ સેન્ટર એસોસિએશનનાં પ્રમુખ મહેશભાઇ ઇનામદાર સહિ‌ત અન્ય દુકાનદારોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં શનિવારે નમતી બપોરે આવેદનપત્ર આપીને તાકીદે પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

નડિયાદ શેરકંડ તળાવ પાસે આવેલ મ્યુનિસીપાલિટી શોપીંગ સેન્ટર એસોસિએશનનાં પ્રમુખ મહેશભાઇ ઇનામદાર સહિ‌ત વેપારીઓએ લેખિતમાં આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નડિયાદ નગરપાલિકા ભવનનાં કંમ્પાઉન્ડમાં પાણીની જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે. આ ટાંકી છેલ્લાં ઘણા સમયથી જર્જરિત અને બિસ્માર છે.

આ ટાંકીમાં પાણી પણ ભરવામાં આવતું નથી. અને બિનઉપયોગી છે. જેથી આ બિસ્માર ટાંકી પાસે શેરકંડ તળાવ ઉપર શોપીંગ સેન્ટર આવેલું છે. આ શોપીંગ સેન્ટરમાં ૬૧ જેટલી દુકાન આવેલી છે. આ દુકાનોની પાછળ આવેલી પાલિકા કમ્પાઉન્ડની જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશયી થાય તેવી ભીતિ સેવાઇ રહી છે. આ ટાંકી તુટી પડે તો સીધી જ આ દુકાનોની છત ઉપર પડે તેવી સંભાવના છે. જેના પરિણામે નુકશાનની સાથે સાથે જાનહાનિ થવાની શક્યતા પણ રહેલી છે. આ બાબતે નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ અનેકવાર સદર બિસ્માર અને જર્જરિત ટાંકીને વહેલી તકે ઉતારી લેવા માટે રજૂઆતો કરાઇ હતી. પરંતુ તંત્ર દ્વારા આ ટાંકી ઉતારવામાં ઉદાસિનતા દાખવી રહી છે.

જેથી શનિવારે વેપારીઓ એકત્રિત થઇને બપોર પછી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને કચેરીમાં ઉપસ્થિત ડિઝાસ્ટર શાખાનાં અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યા બાદ આવેદનપત્રની નકલ સાસંદ દિનશા પટેલ, ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ સંજયભાઇ દેસાઇ, ચીફ ઓફીસરને મોકલી આપીને જોખમી અવસ્થામાં ધકેલાઈ ગયેલી ઓવરહેડ ટાંકીને વહેલી તકે ઉતારી લેવા માટેની માંગ કરી હતી.