નડિયાદમાં સાસરિયાનાં ત્રાસથી ત્રસ્ત પરણિતાનો ગળાફાંસો લઈ આપઘાત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ - સાસુ અને સસરા વિરૂદ્ધ ફરિયાદનાં પગલે પોલીસે તપાસ આદરી નડિયાદ - ડાકોર રોડ પર આવેલ સાઇબાબા નગરમાં રહેતી એક પરણિતાએ સાસરિયાઓનાં ત્રાસનાં કારણે ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ સંદર્ભે મૃતક પરણિતાની નાની બહેને શહેર પોલીસ મથકે સાસરી પક્ષનાં ત્રણ વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે નડિયાદ સાંઇબાબા નગરમાં રહેતા ભાનુભાઇ ભોઇનાં દિકરા વિજયભાઇ તથા પંકજભાઇનાં લગ્ન સાત વર્ષ અગાઉ બોરીયાવીની બે બહેનો નીતાબેન તથા ઝેતલબેન સાથે જ્ઞાતિનાં રિતરિવાજ મુજબ થયાં હતાં. વિજયભાઇ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. લગ્નજીવન દરમિયાન નીતાબેન તથા ઝેતલબેનને કોઇ સંતાન ન હતું. લગ્નજીવન દરમિયાન નીતાબેનની સાસુ ઇલાબેન, સસરા ભાનુભાઇ તથા પતિ વિજયભાઇ અવારનવાર તેનાં પિતાનાં ઘરેથી પૈસા લઇ આવવાની માંગણી કરતાં હતાં. તું વાંઝણી છું તારે કોઇ સંતાન થવાનું નથી. તેવા મ્હેણાંટોણાં મારી અવારનવાર શારિરીક - માનસિક ત્રાસ ગુજારતા હતાં. જેથી નીતાબેને અગાઉ પણ સાસરિયાઓ વિરૂદ્ધ પોલીસે કેસ કર્યો હતો. દરમિયાન નીતાબેનને તેનાં સાસરિયાઓ અવારનવાર મ્હેણાંટોણાં મારી શારિરીક - માનસિક ત્રાસ આપતાં હતાં. સાસરિયાઓનાં ત્રાસથી ત્રસ્ત બનેલાં નીતાબેન માનસિક આઘાત અનુભવતાં હતાં. ગત રાત્રિનાં નીતાબેન જમી પરવારી મકાનનાં ધાબા ઉપર સુઇ ગયા હતા. દરમિયાન રાત્રિનાં ૧૨.૩૦થી સવારનાં ૬-૦૦નાં સમયગાળા વચ્ચે નીતાબેને પોતાના મકાનના એક ઓરડામાં પંખા ઉપર સાડી બાંધી ગળાફાંસો લઇ જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવની જાણ સવારે નીતાબેનની નાનીબેન ઝેતલબેનને થતાં તેઓએ શહેર પોલીસ મથકે કરતાં પોસઇ જે.બી. વાઘેલા પોતાના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે લાશનું ઇન્કવેસ્ટ ભરી લાશને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ સંદર્ભે ઝેતલબેન પંકજભાઇ ભોઇની ફરિયાદના આધારે શહેર પોલીસે વિજયભાઇ ભોઇ, ઇલાબેન ભોઇ તથા ભાનુભાઇ ભોઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોસઇ જે.બી. વાઘેલા ચલાવી રહયા છે.