ખેડા બન્યું SSCનું ‘સરદાર’: ૮૮.૨ ટકા પરિણામ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ખેડાએ બાજી મારી: બોર્ડ કરતાં ૧૮.૯૨ ટકા અને ગતવર્ષ કરતાં ૭.૧૪ ટકા વધુ પરિણામ : માર્કશીટ ૭મી જુને શાળામાંથી મળશે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધો.૧૦નું પરિણામ વેબસાઇટ પર જાહેર કરાયું હતું. ખેડા જિલ્લાનું ૮૮.૦૨ ટકા પરિણામ આવ્યું છે. બોર્ડના પરિણામ કરતાં ૧૮.૯૨ ટકા વધુ પરિણામ મેળવીને ખેડા જિલ્લાએ રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જિલ્લાના ૪૯૮ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. માર્કશીટ ૭મી જુનના રોજ આપવામાં આવશે. માર્ચ મહિનામાં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ શનિવારે શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું. ધો.૧૦ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ સવારથી જ વેબસાઇટ ઉપર પરિણામ જોવા માટે બેસી ગયા હતા. બોર્ડના પરિણામ કરતાં ૧૮.૯૨ ટકા અને ગત વર્ષ કરતાં ૭.૧૪ ટકા વધારે પરિણામ મેળવીને ખેડા જિલ્લાએ ૮૮.૦૨ ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જિલ્લાના ૩૫,૨૨૬ પૈકી ૩૧,૦૦૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં હતા. જોકે, ૪૨૨૨ વિદ્યાર્થીઓને સુધારાની જરૂર જણાઈ હતી. એ-૧ ગ્રેડમાં ૪૯૮ વિદ્યાર્થીઓ, એ-૨ ગ્રેડમાં ૪૩૩૮ વિદ્યાર્થીઓ, બી-૧ ગ્રેડમાં ૮૨૨૧, બી-૨ ગ્રેડમાં ૭૯૧૪, સી-૧ ગ્રેડમાં ૫૨૮૨, સી-૨ ગ્રેડમાં ૨૧૦૭ અને ૨૬૪૪ વિદ્યાર્થીઓ ડી ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયાં હતા. ખેડા જિલ્લાના ઝળહળતા તારલાં નટપૂરના આ પણ સિતારા છે શહેરની ઈટીએસ સ્કૂલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી પટેલ તન્મય ભૂપેન્દ્રભાઈએ ૫૦૦માંથી ૪૭૦ માર્કસ પ્રાપ્ત કરીને ૯૪ ટકા સાથે એ-૧ ગ્રેડ અને ધવલ ખડકભાઈ શાહીએ ૫૦૦માંથી ૪૬૪ માર્કસ મેળવીને ૯૨ ટકા સાથે એ-૧ ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ વધાયું હતું. આ બંને વિદ્યાર્થીઓ એન્જિનિયર બનવા માગેે છે. પાઠ્યપુસ્તક વાચીને અવ્વલ એનઇએસના એ-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થી બંસીલ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘હું સોફ્ટવેર એન્જિનયર બનવા માગું છું. માતા ઉર્વશીબહેન તથા બહેન રૂચીબહેન મારી જ શાળામાં કમ્પ્યુટર ટીચર છે. તેઓ તથા શાળાના શિક્ષકોનું સતત માર્ગદર્શન મળતું હતું. મોટાભાગે પાઠ્યપુસ્તક જ વાચતો હતો. રોજના ત્રણથી ચાર કલાક વાચન કરતો હતો. મહેનતના મીઠાં ફળ મળે જ છે.’ બંસીલને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મળ્યાં છે. તેની આ સિદ્ધિથી પરિવારમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. અભ્યાસના ટાઇમ ટેબલ સાથે ક્યારેય બાંધછોડ ન કરી વેપારીના પુત્ર અને નડિયાદની એનઇએસ સ્કૂલના વિદ્યાર્થી હર્ષ રાજેન્દ્રભાઈ પટેલે ૯૫.૬૦ ટકા મેળવી એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તેણે જણાવ્યું હતું કે ‘સારાં માર્કસ સાથે ઉત્તીર્ણ થવા પહેલેથી જ અભ્યાસ શરૂ કરી દીધો હતો. રોજ ૬થી ૭ કલાક રીડિંગ કરતો હતો. અભ્યાસના ટાઇમ ટેબલમાં કોઈ બાંધછોડ કરી નોહતી. તેનું આ પરિણામ પ્રાપ્ત થયું છે. મારાં મમ્મી જયશ્રીબહેન દ્વારા મને અભ્યાસ સંબંધિત દરેક પ્રકારનું માર્ગદર્શન મળતું હતું.’ હર્ષને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મળ્યાં છે. વિશાલા ડોક્ટર બની સેવા કરવા માગે છે ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એસએસસી પરીક્ષાના પરિણામમાં નડિયાદ શહેરની નોલેજ સ્કૂલની વિદ્યાર્થીની વિશાલા કરણીદાન ગઢવીએ ૫૦૦માંથી ૪૭૪ માર્કસ સાથે ૯૯.૯૪ ટકા પર્સન્ટાઇલ રેન્ક અને એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિશાલા ડોક્ટર બનીને ગરીબોની સેવા કરવાની ઈચ્છા ધરાવે છે. આ સંદર્ભે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. ગણિત વિષયમાં ૨૦ વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા મેળવ્યાં છે. સ્કૂલના ૨૦૨ વિદ્યાર્થી પૈકી ૪૧ વિદ્યાર્થીએ એ-૧ તથા ૧૨૫ વિદ્યાર્થીએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવાયાં છે. ખેડા જિલ્લાની ૫૩ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.એમ.એસ.આચાર્યએ જણાવ્યું હતું કે ‘ખેડા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ કરતાં શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. બોર્ડના પરિણામ કરતાં પણ જિલ્લાનું પરિણામ વધુ આવ્યું છે. ખેડાએ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જિલ્લામાં ગત વર્ષે ૨૨ શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું હતું, જે વધીને આ વર્ષે ૫૩ શાળાનું આવ્યું છે. ૯૧થી ૯૯ ટકામાં ૧૪૭ શાળા, ૮૧થી ૯૦ ટકામાં ૭૨ શાળા, ૭૧થી ૮૦ ટકામાં ૩૧ શાળા, ૬૧થી ૭૦ ટકામાં ૨૦ શાળા, ૫૧થી ૬૦ ટકામાં ૮ શાળા, ૪૧થી ૫૦ ટકામાં ૯ શાળા, ૩૧થી ૪૦ ટકામાં ૩, ૨૧થી ૩૦ ટકામાં ૧ શાળાનું પરિણામ આવ્યું છે. જ્યારે ૦ ટકા ધરાવતી બે શાળા છે. ધો.૧૦ના પરિણામની માર્કશીટ વિદ્યાર્થીઓને ૭મી જુને પોતાની જ શાળામાંથી આપવામાં આવશે. સતત ઝળહળતું ખેડા વર્ષ-ટકા ૨૦૧૨-૮૮.૦૨ ૨૦૧૧-૮૦.૮૮ ૨૦૧૦-૭૫.૦૨ ૨૦૦૯-૬૯.૯૨ ૨૦૦૮-૬૩.૩૮