સંતરામપુરમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલાં ઘઉં-ચોખાનાં ૮૯ કટ્ટાં જપ્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલના પ્રાંત અધિકારી અને પુરવઠા અધિકારી દ્વારા આકસ્મીક તપાસ હાથ ધરતા સંતરામપુર નગરના વેપારીના મકાનમાંથી અંદાજીત ૬૪ હજાર કિંમતનો સરકારી ઘઉના ૬૮ કટ્ટા અને ચોખાના ૨૧ કટ્ટા ગેરકાયદે સંગ્રહ કરેલા ઝડપી પાડવામાં આવ્યા હતાં. સરકારી જથ્થો જપ્ત કરવાની સાથે સંચાલકની તપાસ આદરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજનો નિયત કરાયેલ વસ્તુઓ સમયમર્યાદામાં ઉપલબ્ધ નહી બનતો હોવાની સાથે પુરવઠા તંત્ર દ્વારા જરુરી પગલા ભરવામાં ભારે ઉદાસિનતા સેવાય છે. આદિવાસી જરુરિયાતમંદ ગ્રાહકોના હાથ સુધી સહાય પહોંચે તે પહેલા જ છેલ્લા કેટલાય સમયથી સરહદ બહાર સગેવગે થતુ હોવાનુ પણ જાણવા મળે છે . સંતરામપુર નગરમાં નવા બજાર મુસ્લિમ ફળીમાં એક મકાનમાં સરકારી અનાજનો મોટો જથ્થો સંતાડી રાખેલ હેાવાની બાતમી જિલ્લા કલેક્ટરને મળી હતી. જેના આધારે કલેક્ટરે જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.પટેલ અને પ્રાંતઅધિકારી સંતરામપુર એ.કે.બારીયાને સાથે રહી સ્થળ તપાસ કરવા સુચના આપી હતી.

જેથી મંગળવારની બપોર બાદ પ્રાંત અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી અને તેમના સ્ટાફે દર્શાવેલ સ્થળ ઉપર જઇ મકાન પર છાપો માર્યો હતો. જેમાં વેપારી ફારૂકભાઇ ગુલામભાઇ ગાજી નવાબજારના મકાનમા તપાસ કરતા સરકારી ઘઉના ૬૮ કટ્ટા અને ચોખાના સરકારી ૨૧ કટ્ટા ગેરકાયદેસર રાખેલાનું જણાઇ આવતા તંત્ર ચોંકી ઉઠયુ હતુ. ૬૪,૦૦૦ કિંમતનો જથ્થો જપ્ત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાતા અન્યોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે નોંધનિય છેકે, સંતરામપુર તાલુકામા સરકારી અનાજ અને કેરોસીનનો જથ્થો મોટાપાયે સરકારી સસ્તા અનાજની દુકાનોમાંથી પગ કરી જાય છે. અને બજારમાં ઉંચી કિંમતે કાળાબજારમાં વેચાણ થતો હોવાનું અને ટ્રકો ભરીને આ સરકારી અનાજનો જથ્થો બહાર મોકલાતો હોવાની અનેક ચર્ચાઓ થતી રહી છે. છતાં પણ પુરવઠા તંત્ર સક્રિય જણાતુ ન હતુ.

ગ્રામ્ય વિસ્તારોમાં સઘન તપાસની જરૂરી
સરકારી જથ્થો જરુરિયાતમંદ સુધી પહોંચે અને કાળાબજાર અટકાવવા માટે સરકાર દ્વારા થંભ ઇમ્પ્રેસન જેવી સુવીધા દાખલ કરવામાં આવી છે. તેમ છતાં સંચાલકો દ્વારા અવનવી તરકીબો અજમાવીને બેનંબર કરાતા હોવાની બુમ ઉઠી છે. ખાસ કરીને આવા અંતરિયાળ વિસ્તારોમાં તંત્ર દ્વારા જરુરી પગલા ભરવામાં આવે તેવી માગ ઉઠી છે.