અહીં ગાય ઢીંક ન મારે, એ જોજો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજમાં પશુઓથી રાહદારીઓ ત્રસ્ત: જાહેર માર્ગો, બસસ્ટેન્ડ, ગાયોનો અડિંગો: ભુલકાંઓ અને ઘરડાં લોકો બહાર નીકળતાં ગભરાય છે: પરિસ્થિતિ માટે નાગરિકોને જવાબદાર ઠેરવતું તંત્ર કપડવંજ શહેરમાં રખડતાં પશુઓના ત્રાસથી નગરજનો પરેશાન થઇ ગયા છે. તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે જેવી છે.આ અંગે મહિલા સિનિયર સિટિઝન મંડળનાં પ્રમુખ નિર્મળાબહેન ભટ્ટે જણાવ્યું હતું કે ‘આઝાદ ચોક, ગાંધી ચોક શાક માર્કેટ, ગોકુલનાથજી મંદિર, નારાયણ દેવમંદિર, ધોળીકુઇ, હોળીચકલા, લાંબીશેરી, દેસાઇવાડા અને સ્ટેટ હાઇવે પર આવેલી ડાકોર ચોકડી, ટાઉનહોલ ચોકડી, કુબેરજી ચોકડી અને બસસ્ટેશન વિસ્તારમાં રખડતી ગાયોનું પ્રમાણ વિશેષ છે. ગાયો અડિંગો લગાવીને વચ્ચોવચ બેસી રહે છે. તેને લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને ઘણી જ મુશ્કેલીઓ પડે છે. આમાં ઘણી વખત ગાયો રાહદારીઓને હડફેટે ચઢાવતાં વયસ્ક નાગરિકો તેનાં ભોગ બને છે.’ મહિલા સિનિયર સિટિઝન મંડળનાં મંત્રી શકુબહેન સોનીએ કહ્યું હતું કે ‘પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, નાના ભુલકાંઓ અને ઘરડાં લોકો બહાર નીકળતાં ગભરાય છે. શહેરમાં રખડતી ગાયોના લીધે ટ્રાફિકજામ પણ થઇ જાય છે.’ પ્રજાનો સહયોગ નથી નગર સેવા સદનના ઓએસ ઉદય શાહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘રખડતી ગાયો પર અંકુશ લાવવા તંત્ર કટીબદ્ધ છે. અગાઉ સેવા સદન દ્વારા રખડતી ગાયોને પકડવાનો કોન્ટ્રેકટ આપવામાં આવ્યો હતો, પણ નગરજનોનો સહયોગ મળ્યો નોહતો.’