જેમણે શોધેલું અન્ન આપણા મોંમાં છે તેમને જાણો છો?

Rajnikumar Pandya

Apr 27, 2011, 09:10 PM IST
he is founder of that wheat which became popular i

Gujarat>> ખેડૂતો પચીસ ત્રીસ કરોડનો પાક વધુ ઉતારે છે તે ઘઉં લોક1 કોનું સંશોધન છે?
>> જે શોધ બદલ વિદેશમાં લાખો-કરોડ મળત તે જનતાને સમર્પિત કરી દીધી
>> ડૉ.ઝવેરભાઈ એચ. પટેલ જેમને લોકો ઝવેરબાપા તરીકે જ ઓળખતા હતાની નોખી સિદ્ધિ
>> ગુજરાતના ખેડૂતો થકી તેમણે સ્થાનિક અર્થતંત્રમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે

‘બાપા 1984માં એકવાર અહીં આવ્યા હતા’, આવું સાંભળવાની નવાઈ નથી, દીકરા દીકરીઓ અમેરિકામાં આવીને વરસો પહેલાં વસી ગયાં હોય એટલે ડોસી ડોસાને ક્યારેક પ્રેમે કરીને અહીં લઈ આવે. કેટલાંક બાળકોને સાચવનાર બેબીસીટર તરીકે લઈ આવે કેટલાક ખરેખરા એમને દેશફેર કરવા જ લાગણીથી લઈ આવે. કોઈ ‘આવ્યા તો નાખો વખારે’ એમ લાવે, કોઈ જોબ કે ધંધા પરથી રજા લઈને આખા અમેરિકાના ‘ચાર ધામ’ જાત્રા કરાવે. પૂર્વમાં ન્યુયોર્ક, પશ્ચિમે જ્યોતિર્લિંગ બતાવે. હોલિવુડના તેત્રીસ કોટી દેવતા બતાવે. લાસ વેગાસ કે એટલાંટિક સિટીની ઈન્દ્રપુરી જવા પણ કોઈ ચહે-એમાં શરમ નહીં. એટલે કોઈ એક વલણનું સાધારણીકરણ કરી નાખવું નહીં.પણ ઝવેરબાપા 1984 માં દીકરા અશોક પટેલ પાસે શિકાગો પાસેના ઓકબ્રુક ગામે આવ્યા ત્યારે એમણે એવી ઇચ્છા કરી કે હું પચાસ વર્ષ પહેલાં જ્યાં ભણતો અને જ્યાં ખેતીવાડીમાં ડોક્ટરેટ લીધેલું તે યુનિવર્સિટી ઓફ ઇલિનોઈમાં મને લઈ ચાલ. એ લોકો, એ ભૂમિ અને એ યુનિવર્સિટીનો હું દેવાદાર કહેવાઉ. એ લોકોએ મને 1933 માં ભણી લીધા પછી ત્યાં ને ત્યાં જ રહી પડવાની ઓફર કરી હતી ત્યારે મેં એમ કહીને ના પાડી હતી કે ‘ના, હું પાલિતાણાના મહારાજના ખર્ચે અહીં ભણવા આવ્યો છું નહીંતર હું તો હરખા પટેલ નામના ગારિયાધારના એક સામાન્ય ખેડ કારીગરનો દીકરો ! હું અહીં લગી ક્યાંથી પહોંચું ? પણ હવે પહોંચી જ ગયો છું તો પછી ભણ્યા કેડે દેશભેળા થઈ જવું એ મારી ફરજ છે.’ એટલે હું દેશમાં આવતો રહ્યો.

ગુજરાતી અમેરિકનો અહીં વાતવાતમાં ‘ઓ.કે.’ કહે છે. (એક ઓળખીતા જણને મેં ન્યુયોર્કમાં પૂછેલુ કેમ ફાધર ઓ.કે. છે ને ? જવાબમાં એણે કહેલું. ‘ફાધરને ઓ.કે. થયે સાત વરસ થયાં હવે એમની આઠમી ડેથ એનિવર્સરી આવશે’) એમ પુત્ર ડૉ. ભરત પટેલે પિતાને ઓ.કે. કહ્યું ને પછી યુનિવર્સિટીમાં ફોન કર્યો કે મારા ફાધર તમારી યુનિવર્સિટીમાંથી પચાસ વર્ષ પહેલાં પીએચ.ડી. થઈને ગયા હતા તે આજે અહીં આવ્યા છે. એમને યુનિવર્સિટી જોવી છે. લઈ આવું ? ક્યારે ? સામે સાંભળનારા પણ ઘણીવાર સૂક્ષ્મ સ્પંદનો ઝીલનારા નીકળે છે. એમણે પૂછ્યું: “શું કહ્યું ! પચ્ચાસ વરસ !અર્ધી સદી !” ભરત પટેલે ‘હા’ પાડી. અઠવાડિયા પછીની તારીખ મળી. એ પછી ઝવેરબાપા અઠવાડિયા લગી ભારતથી પોતે લાવેલા પોતાનાં સંશોધન વિષયકો કાગળોને ઠીકઠાક કરતા રહ્યા. ફરીફરીને વાંચતા રહ્યા ને પછી ‘આઠમે’ દિવસે બન્ને પુત્રો ભરત અને અશોકની સાથે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ ગયા. ઓહોહો, પચાસ વર્ષમાં સંખ્યાબંધ નવાં મકાનો ખડા થઇ ગયાં હતાં.

એમના આર્કિટેક્ચર(સ્થાપત્યો) બદલાયાં હતા. વૃક્ષો વધારે ઘેઘૂર બન્યાં હતાં, અને પક્ષીઓ વધારે ચંચળ.. કારમાંથી પગ દઇને એકાસી વરસના ઝવેરબાપા વગર ટેકે પુત્રોની પાછળ પાછળ ચાલ્યા અને કુલપતિની ઓફિસમાં પગ દીધો. પગ દીધો ને આશ્ચર્યમૂઢ થઈ ગયા. શું જોયું? કુલપતિની ચેરમાં તો કોઈક ચમકતા ચહેરાવાળો અમેરિકન પ્રૌઢ બેઠો હતો અને એના ચહેરા પર વેલકમનું સ્મિત હતું. પણ એની આજુબાજુ છ-છ ખુરશીઓ ગોઠવાયેલી પડી હતી અને એમાં બેઠા હતા આ ઝવેરબાપાની પેઢીના જ કુલ બાર વૃદ્ધ પુરુષો, આ શું ? કોણ છે આ લોકો ? ઝવેરદાદાએ ઝીણી નજરે કરીને બધા ઉપર પીંછીની જેમ નજર ફેરવી. થોડીઘણી પરિચિતતાની રેખાઓ એમાં ઊપસી આવી અને પછી ધીરેધીરે આખું ચિત્ર સ્પષ્ટ થયું.

બધા જ ચહેરાઓ ઘરડા કરચલીવાળાઓ ટાલિયા યા સફેદવાળવાળા મટીને જુવાન તસતસતી મુખરેખાવાળા થઈ ગયા. અદ્દભુત આ બધા જ પચાસ વરસ પહેલાના કલીગ્સ! સહકાર્યકરો, સહપાઠકો હતા. ભણતર ગણતર, સેલ સપાટા, ગેલગમ્મત, ખેલકૂદ કરી હશે. થોડા સમય સુધી કોઈ કોઈ ચિઠ્ઠીપત્રીનો સંબંધ રહ્યો હશે. પછી સૌ સૌની ભવાટવિમાં અંતર્ધ્યાન થઈ ગયા હતા. પહેલા તો સ્મરણમાં પણ આવતા હતા, હમણાહમણાંના તો દિન ગણંતા માસ થયા અને પછી વરસે આંતરીયા, સુરત ભૂલી શામળા હવે તો નામે ય વિસરીયા એવો મામલો. બસ, આજે આ વીજળીનો એક ચમકારો થયો, સ્મૃતિનું આખું આકાશ ઝળહળાં થઇ ગયું.

એ વખતની એમની મનઃસ્થિતિનું વર્ણન ઝવેરબાપા ખુદ હોય તો કરી શકે પણ એ તો 1989 ના માર્ચની 23 મીએ પાલિતાણામાં પોતાના ઘેર જ અવસાન પામ્યા, પણ આ બનાવના સાક્ષી અશોકભાઈ પાસે એ વખતના વર્ણનના આવા થોડા શબ્દો આ છે :એ બધા એકબીજાને ભેટ્યા-મળ્યા અને આંખોમાંથી આંસુની ધારા વહી આવી. એ દૃશ્ય હું વીડિયોમાં કેદ કરી શક્યો હોત પણ નથી કરી શક્યો.’ ઝવેરબાપા કહેતા હતા કે ‘મારા વેવાઈ ચંદુલાલ બહેચરલાલ પટેલ સંપાદિત કરેલા લાખો શબ્દોવાળા ભગવદ્દમંડળના શબ્દકોશમાંથી પણ એને માટેના શબ્દ ન જડે.’

એમણે એકબીજાએ આટલાં વર્ષો - અર્ધી સદીમાં એકબીજાને કરેલી કામગીરીની પોતપોતાના સરવૈયાની આપલે કરી. કયા ક્ષેત્રમાં કોણે કેટલું સંશોધન કર્યું, એના શાં પરિણામો આવ્યા, એની વાતો કરી. ઝવેરબાપાનાં સંશોધનો શેરડી, મગફળી, બાજરી ને છેલ્લે ઘઉં ઉપરનાં જોઈને સૌ ચકિત થઈ ગયા.

ઉપકુલપતિએ તો કહ્યું ‘મિસ્ટર પટેલ, તમને આ સંશોધનો બદલ કેટલા લાખ મળ્યા ?’ જવાબમાં ઝવેરબાપાએ ટોકરી હલાવતા હોય તેમ અંગૂઠો હલાવ્યો. મતલબ કે ફદીયું ય નહિં. ‘ઈલિનોઇ યુનિવર્સિટીનો ઉપકુલપતિ સ્તબ્ધ જ થઈ ગયો. ‘અહીં તમે હોત તો એક એક શોધ પર પેટન્ટ મળત અને એક પેટન્ટના તમને લાખો ડૉલર.... ’

ઝવેરબાપા બોલ્યા : ‘મને મળે ને ?’ ઉપકુલપતિએ હસીને હા પાડી.

‘બરાબર, પણ એમાં મારા કન્ટ્રીને શું મળે ?’ એમ ઝવેરબાપા બોલ્યા ને ખડખડાટ હસ્યા ને કહ્યું : ‘અમારા કન્ટ્રીમાં અત્યારે એક આ લોકવન જાતના ઘઉં પર જ અમારા ખેડૂતો પચીસ ત્રીસ કરોડનો પાક વધુ ઉતારે છે.’

‘પણ છેવટ તમે તમારું નામ એ સંશોધન સાથે કેમ ન જોડ્યું ?

‘શું કામે જોડું ?’ ઝવેરબાપા બોલ્યા : ‘મારે મારા નામને શું કરવું છે ? મેં તો મનુભાઈ પંચોલીની સંસ્થા લોકભારતી સણોસરામાં રહીને આ સંશોધન કરેલું, એટલે જેમ લોકભારતી લોકો માટે છે એમ આ ઘઉંની નવી જાત પણ લોકો માટે જ છે, એટલે મેં જ નામ આપ્યું લોક-1.’

‘નામેય ન લીધું, પણ દામેય ન લીધા ?’ અશોકભાઈને મેં પૂછ્યું.

એ બોલ્યા : ‘બાપા લેવામાં નહીં, આપવામાં માનતા હતા’ આ સુખમેળા પછી છૂટા પડ્યા ત્યારે પણ સાથે લાવેલા સંશોધનના કાગળિયાં, મહામહેનતે તૈયાર કરેલા ઓબ્ઝર્વેશન પેપર્સ, રિસર્ચ પેપર્સ અને થોડાં અંગ્રેજી પુસ્તકો પણ આ યુનિવર્સિટી ઓફ ઇલિનોઈને ભેટ આપતા આવ્યા.એ પહેલાં ઝવેરબાપા મોટા દીકરા ભરતભાઈ પાસે પેન્સિલવાનિયામાં 1973 માં ગયા. ત્યાં ભરતભાઈ ડૉકટર છે. જંપ લેવાનું તો ઝવેરબાપાને પોષાય જ નહીં. કહે કે મને યુનિવર્સિટી ઓફ પેન્સિલવાનિયા’ લઈ ચાલ. બસ મારે જોવું છે કે ત્યાં શું શું ચાલે છે ? દીકરાએ યુનિવર્સિટીમાં ફોન કર્યો ‘મારા બાપા ખેતીવાડીના ઇન્ડિયામાં સંશોધક છે. તમારી ખેતીવાડી યુનિવર્સિટી જોવાની એમની ઇચ્છા છે. ક્યારે લઈ આવું ?’ જવાબમાં જે તારીખ મળી એ તારીખે ભરતભાઈ ઝવેરબાપાને લઈને યુનિવર્સિટીમાં ગયા. ત્યાં એના મુખ્ય અધિકારીએ એમને મીઠો આવકાર પણ આપ્યો. બેતાલીસ વરસ પહેલાંના અમેરિકા આવી ગયેલ પરદેશ રિસર્ચર ક્યાંથી ? બાપા એની સાથે વાતવાતમાં જ બોલ્યા : ‘એક પ્રોફેસર વુડવર્થ મારા પ્રોફેસર હતા. એના કઈ સમાચાર ?’અધિકારી ચોકી ગયા. ‘શી વાત કરો છો? પ્રોફેસર વુડવર્થ ? અરે, એ તો મારા સસરા થાય, થોડા જ વરસ ઉપર ગુજરી ગયા.’‘ઓહ,’ ઝવેરબાપાને એમના અવસાનના સમાચારથી દુ:ખ થયું, પણ પછી કંઈક યાદ પણ આવ્યું : ‘તો તમે મેરીના હસબન્ડ ?’‘યસ’ જવાબ મળ્યો : ‘એ એમની એકની એક દીકરી. હું એને જ પરણ્યો છું. વ્હોટ આ કોઈન્સીડન્સ ?’ એના હાથ ફોન તરફ વળ્યા. ખૂબ જ ઉત્તેજનાથી છલકાતા સ્વરે એણે પત્નીને વાત કરી. ‘મેરી વોન્ટ ટુ ગીવ યુ એ સરપ્રાઈઝ ઓન ધીસ ફાધર્સ ડે યોર ફાધર્સ ઓલ્ડેસ્ટ પ્યુપીલ ઇઝ હીયર.તાબડતોબ મેરી પાસે ઘેર ગયા. એક જૂનોપુરાણો મઢેલો ફોટોગ્રાફ બતાવ્યો. એમાં પ્રોફેસર વુડવર્થની સાથોસાથ જુવાનજોધ ઝવેર પટેલ પણ બેઠા હતા. સાથે બીજા ફોટોગ્રાફમાં ઝવેરબાપાની દીકરી ઉમા પણ હતી ને એક ટચૂકડો ટાબરિયો હતો. બસ, એ જ આ ભરત પટેલ.! સરપ્રાઈઝ ટુ ભરત પટેલ ઓલ્સો !બધું શક્ય છે. સ્પંદનક્ષમ હૃદય હોય તો કાળ શું ? ભૂગોળ શું ?

આપણે અત્યારે આખા ગુજરાતમાં ઘેર ઘેર ખવાય છે તે લોક-1 ઘઉં તે આ ઝવેરબાપાની જ શોધ !

તમારો મત શું ઝવેરબાપાની જેન વર્તમાન સમયના શ્રેષ્ઠીઓએ આ પ્રકારના લોકઉપયોગી સંશોધન માટે આગળ આવવું જોઇએ? આ અંગે તમારો વિચાર અહીં દર્શાવવામાં આવેલા ફીડબેકમાં લખો.X
he is founder of that wheat which became popular i
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી