સસ્તા અનાજના પરવાના બારોબાર વેચાઈ ગયાં!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડેલી ગામે જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં મસમોટી ગેરરીતિ બહાર આવતા પરવાના સસ્પેન્ડ બોરસદ તાલુકાના વડેલી ગામે આવેલી બે સસ્તા અનાજ - કેરોસીનની દુકાનોમાં ભારે ગેરરીતિ મળી આવતાં જિલ્લા પુરવઠા અધિકારીએ તાકીદની અસરથી પરવાના સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો.પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું, બોરસદ તાલુકાના વડેલી ગામે સસ્તા અનાજ અને કેરોસીનનો પુરવાનો ધરાવતા અનવરભાઈ અબ્દુલભાઈ વ્હોરા અને મગનભાઈ રાવજીભાઈ રોહિતે તેમની દુકાનનો હવાલો બારોબાર ગામના જ મુકેશ મણીભાઈ સોલંકીને આપી દીધો હતો. મુકેશ લાંબા સમયથી આ બન્ને દુકાનોનો ગેરકાયદે હવાલો સંભાળવા ઉપરાંત ગ્રાહકોને કેરોસીન પણ આપતો નહતો. આ અંગે ગામમાંથી અનેક ફરિયાદો ઉઠી હતી. જે સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સ્થળ તપાસ કરતાં ગેરરીતિ માલુમ પડી હતી. મુકેશ ગ્રાહકોને પાંચ લીટરથી વધુ કેરોસીન આપતો નહતો. આ ઉપરાંત અન્ય પણ કેટલીક ગેરરીતિ મળી આવી હતી. જે ગેરરીતિના પગલે અનવર વોરા અને મગન રોહિત બન્નેના પરવાના ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ખંભાત ગેસ એજન્સીનો પરવાનો સસ્પેન્ડ ખંભાત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ એજન્સી સામે ઉઠેલી ફરિયાદોના પગલે તાકીદે તેનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે, ખંભાતની ઘનશ્યામ બ્રહ્નભટ્ટ સંચાલિત જી.આર. બ્રહ્નભટ્ટ ગેસ એજન્સીમાં ગેસની બોટલ નોંધણી સમયે ગ્રાહકો પાસેથી ખાલી ગેસ બોટલ લઈ લેવામાં આવતી હતી. આ ઉપરાંત ચાર - ચાર માસ સુધી ગેસ બોટલ પરત આપવામાં આવી નહતી. જેને કારણે ગ્રાહકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. આથી, તેનો પરવાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.