પાટનગર યોજના વિભાગના ૧૨૦૦ કર્મચારી માસ સીએલમાં જોડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્ય સરકારના કર્મચારીઓની માસ સીએલમાં ગાંધીનગરના પાટનગર યોજના વિભાગના ૧૨૦૦ કર્મચારી જોડાતાં એક દિવસ માટે કામગીરી ઠપ થઈ ગઈ હતી. કર્મચારીઓ કચેરી સુધી જઈ ન શકે તે માટે મુખ્ય પ્રવેશદ્વારને તાળાં મારી દેવા સાથે તાર બાંધી દેવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં વિકાસકાર્યો અને સુવિધાની કામગીરી કરતા પાટનગર યોજના વિભાગના કર્મચારીઓ પણ ગુરુવારે માસ સીએલમાં જોડાયા હતા. પાટનગર યોજના વિભાગના ૧૨૦૦ જેટલા કર્મચારી એક્સાથે રજા પર ઊતરી જતાં ચાર માળનું પાટનગર યોજના ભવન સુનકાર ભાસી રહ્યું હતું. પાટનગર યોજનાના તમામ ડિવિઝનમાં ગુરુવારે રવિવાર જેવો માહોલ જોવા મળ્યો હતો જ્યારે કર્મચારીઓ ભવન પાસે એકઠા થયા હતા, પરંતુ કચેરીમાં જવાનું ટાળ્યું હતું. બીજી તરફ કર્મચારી સંગઠનોના હોદ્દેદારોએ પણ કચેરીમાં જવાના રસ્તા પર તારની આડશ કરી કર્મચારીઓને જતાં અટકાવ્યા હતા. માણસા તા. પં. કર્મી, પ્રા.શિક્ષકો હડતાલમાં જોડાયા : માણસા શહેર અને તાલુકાની સરકારી કચેરીઓમાં પણ કેટલાક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં. પ્રા.શાળાનાં શિક્ષકોએ પણ માસ સીએલમાં જોડાઇને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. જ્યારે માણસા ખાતેની મામલતદાર કચેરી અને નગરપાલિકાનાં કર્મચારીઓ તેમજ માધ્યમિક શાળાના શિક્ષકોએ હડતાલને સમર્થન આપ્યું ન હતું. કલોલ તાલુકા અને શહેરમાં આવેલી સરકારી કચેરીઓના કેટલાક કર્મચારીઓ માસ સીએલમાં જોડાયા હતાં. ગાંધીનગર જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા : લાંબા સમયથી પડતર માગણીઓને રાજ્ય સરકાર દ્વારા નજર અંદાજ કરવામાં આવતાં વિવિધ સંગઠનો દ્વારા ૨૭મીને ગુરુવારે માસ સીએલ પર ઉતરી જવા હડતાલનું એલાન આપ્યું હતું. જેનાં અનુસંધાનમાં આજે ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનનાં તમામ કર્મચારીઓ જોડાયા હતાં. જેનાં કારણે જિલ્લાને લગતી તમામ કામગીરી ઠપ થઇ જવા પામી હતી. એક માત્ર ઉચ્ચ અધિકારીઓ જ હડતાલમાં જોડાયા ન હોવલાથી જિલ્લા પંચાયત ભવનની તમામ કચેરીઓ ખાલીખમ ભાસતી હતી. જિલ્લા આરોગ્ય ખાતાનાં કર્મચારી સંગઠનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગર જિલ્લામાં આવેલા ૨૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તેમામ સ્ટફ હડતાવમાં જોડાઇને માસ સીએલ ઉપર ઉતરી ગયો હતો. જેનાં કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરની સેવાઓ ખોરવાઇ ગઇ હતી.જિલ્લા પંચાયતનાં પટાવાળા, ડ્રાઇવરથી માંડી તમામ કર્મચારીઓ માસ સીએલમાં જોડાયા હોવાથી પોતાની કેબીનમાં હાજર થયેલા ઉચ્ચ અધિકારીઓ પણ જાણે પાંગળા જેવા થઇ ગયા હતાં.