આખડોલમાં આધેડનું માથામાં લાકડી ફટકારતાં મૃત્યુ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ઘર આગળથી કેમ જાવ છો’ તેમ કહી મહિલાએ ઝઘડો કર્યો : પુત્ર - ભત્રીજાને બચાવવા આવનાર આધેડ પર હુમલો કર્યો : ચાર ઇસમ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ નડિયાદ તાલુકાના આખડોલ તાબેનાં રામનગર ખાતે ઘર આગળથી પસાર થતાં ત્રણ યુવકને એક મહિલાએ ‘મારા ઘર આગળથી કેમ આવ-જા કરો છો’ તેમ કહી ઝઘડો કર્યો હતો. તે વખતે મહિલાનું ઉપરાળુ લઇ તેનાં પતિ તથા જેઠ અને બે ભત્રીજા લાકડીઓ લઇ આવી ત્રણેય યુવકોને માર મારવા લાગ્યાં હતાં. જેથી તેઓની બૂમો સાંભળી પોતાનાં પુત્ર અને ભત્રીજાને છોડાવવા પડેલાં એક આધેડને માથામાં ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આખડોલ તાબેનાં રામનગર ખાતે આવેલાં દાદુરામ મંદિર પાસે કાભઇભાઇ રઇજીભાઇ પરમાર રહે છે. તેઓ શનિવારે રાત્રિનાં નવ વાગે પોતાનાં કુટુંબી અર્જુનભાઇ નટુભાઇ પરમાર તથા પિન્ટુભાઇ અરવિંદભાઇ પરમાર સાથે ગામનાં મગનભાઇ દામાભાઇ પરમારનાં ઘર આગળથી પસાર થતાં હતાં. તે વખતે મગનભાઇની પત્ની કૈલાસબેને કાભઇભાઇને તથા અન્ય બે યુવકને જણાવ્યું હતું કે ‘તમોને અગાઉ ના પાડી છે તે છતાંય અમારા ઘર આગળથી કેમ આવ-જા કરો છો.’ કૈલાસબેનને કાભઇભાઇ સાથે તકરાર થતાં જાણી તેણીનું ઉપરાળુ લઇ મગનભાઇ પરમાર, જેણાભાઇ દામાભાઇ પરમાર, કાન્તીભાઇ જેણાભાઇ પરમાર તથા મુકેશભાઇ જેણાભાઇ પરમાર ભેગા મળી લાકડીઓ સાથે દોડી આવ્યાં હતાં. તેઓએ આ કાભઇભાઇ, અર્જુનભાઇ તથા પિન્ટુને અપશબ્દો બોલી લાકડીઓથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી આ ત્રણેય યુવકોએ બચાવો.. બચાવો..ની બૂમો પાડતાં પાડોશી નટુભાઇ શનાભાઇ બીન ચતુરભાઇ પરમાર(ઉ.વ.૫૦) તેઓને છોડાવવા દોડી આવ્યાં હતાં. નટુભાઇ વચ્ચે છોડાવવા પડતા મગનભાઇએ તેઓને માથાના ભાગે લાકડી ફટકારતાં ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ લોહી નીકળેલ ન હતું. ભારે બૂમાબૂમ થતાં આજુબાજુનાં રહીશો દોડી આવતા મામલો આખરે શાંત પાડ્યો હતો. આ દરમિયાન નટુભાઇને ગામની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં તેઓને ગોળી આપી રજા આપી હતી. દરમિયાન રાત્રિનાં સુમારે નટુભાઇને માથામાં દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહેતા નટુભાઇને લઇ તેમના કુટુંબીજનો નડિયાદ તરફ આવી રહ્યા હતા. જ્યાં રસ્તામાં નટુભાઇનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી નટુભાઇની લાશ લઇ પરત પોતાના ગામમાં ગયા હતા. દરમિયાન સવારે પાંચ વાગે કાભઇભાઇ પરમારે નડિયાદ રૂરલ પોલીસ મથકે મગનભાઇ દામાભાઇ પરમાર, જેણાભાઇ દામાભાઇ પરમાર, કાનજીભાઇ જેણાભાઇ પરમાર તથા મુકેશભાઇ જેણાભાઇ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોસઇ એમ.સી.તાવીયાડ ચલાવી રહ્યા છે. જંત્રાલમાં જમીનની તકરારમાં એકને માર માર્યો આણંદ. બોરસદના જંત્રાલમાં જમીનની તકરારમાં ત્રણ જણાએ ભેગા મળી એકને માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. પોલીસના જણાવ્યા મુજબ જંત્રાલમાં રહેતા શનાભાઇ રાયસીંગભાઇ સોલંકી તેમ જ તેમની પત્ની સહિત ત્રણ જણાએ ભેગા મળી ગામના વિનુભાઇ ખુમાનભાઇ સોલંકીની જમીન પડાવી લેવા માટે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં શનાભાઇએ લોખંડની દાંતીથી હુમલો કરી કપાળમાં મારી તેમ જ કમળાબેન અને મધુબેને ગડદાપાટુનો માર મારી વિનુભાઇને ઇજા પહોંચાડી હતી. આ અંગે વિરસદ પોલીસે વિનુભાઇ સોલંકીની ફરિયાદ આધારે ત્રણની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.