વિકાસકામોમાં ભેદભાવ પાલિકાની સભામાં દેકારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાની વિશેષ બેઠકમાં ભરચોમાસે ખોદકામ તેમ જ આડેધડ પુરણના મામલે વિપક્ષના સભ્યોની પ્રમુખ સાથે શાબ્દિક ટપાટપી નડિયાદ નગર સેવા સદનની સોમવારે સવારે મળેલી ખાસ સામાન્ય સભામાં વિપક્ષ નેતા સહિ‌તના સભ્યોએ વિકાસના કામોમાં વહાલાંદવલાંની નીતિ મામલે નગરના હાર્દસમા માર્ગો તેમ જ રહેણાંક વિસ્તારોમાં આડેધડ ખોદકામના પ્રશ્ને દેકારો કરતાં સભા તોફાની બની ગઇ હતી. તેમ જ વિરોધપક્ષ અને પાલિકા પ્રમુખ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. સામાન્ય સભામાં નગરના જુદાં જુદાં વિકાસના કામો માટેના થયેલાં ખર્ચને મંજૂર કરવામાં આવ્યા હતા. શહેરના વિકાસના કામો ધ્યાનમાં લઇને પાલિકા પ્રમુખ સંજયભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. સામાન્ય સભાની શરૂઆત થતાં જ વિરોધ પક્ષના સભ્યો મહેશભાઇ આર.દેસાઇ, ઐયુબખાન પઠાણ અને નરેશભાઇ બારોટે વિરોધનો સૂર વ્યક્ત કરતાં નગરમાં થઈ રહેલાં વિકાસના કામોમાં વહાલાંદવલાંની નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, શહેરના તમામ રહેણાંક વિસ્તારો તેમ જ મુખ્ય માર્ગો પર ચોમાસામાં પાણીની પાઇપલાઇન માટે ખોદકામ થઇ રહ્યા છે. આ ખોદકામો દરમિયાન પડી ગયેલા ખાડાઓનું પુરણકામ કરવા માટે નગર પાલિકાના ઇજનેરોને જાણ કરવામાં આવતી હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. તેમ જ ફોન પણ ઉપાડતાં નથી. નગર પાલિકાના સભ્યોના ફોન ન ઉપાડવા પાછળનું શું કારણ હોઇ શકે? તે અંગે પણ સભામાં ઉગ્ર ચર્ચા થઇ હતી. આ મુદ્દે પાલિકા પ્રમુખ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. નગરમાં થઈ રહેલાં કામોમાં નાણાનો દુરપયોગ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કરાયો હતો. પાણીની પાઇપલાઇન નાખવા માટેના નિયમોને નેવે મૂકીને કામ થઈ રહ્યું હોવાની પણ સભ્યોએ ફરિયાદ કરી હતી.