મોદીના કાર્યક્રમમાં ૩૩ બસો ફાળવતાં હાલોલમાં લોકો અટવાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ બસડેપો ઉપર મુસાફરોના ભેગા થયેલા ટોળામાં આક્રોશ ફેલાયો દાહોદમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાલોલ ડેપોની ૩૩ બસો ફાળવતાં હાલોલ તાલુકાના ગામડાના અને લાંબી રૂટના મુસાફરો અટવાયા હતા. જેથી હાલોલ ડેપો ઉપર મુસાફરોના ટોળામાં આક્રોશ વર્તાયો હતો. હાલોલ ડેપોમાંથી દિવસ દરમિયાન ૬૧ રૂટની બસો વિવિધ સ્થળે દોડે છે. જેમાંથી ૩૩ બસો ગત શુક્રવારે રાત્રિથી જ મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે દાહોદમાં મંગાવતા માત્ર ૪પ ટકા બસોથી કામ ચલાવવું પડયું છે. જોકે શનિવારે સવારથી જ હાલોલના બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોના ટોળા દેખાતા હતા અને તેઓમાં ગુસ્સો પણ વર્તાતો હતો. તો ગામડાઓની બસોમાં સ્કૂલોમાં આવતા વિદ્યાર્થીઓ શનિવારે બસો તેમના ગામડે નહી જતાં, અભ્યાસ અર્થે હાલોલ સ્કૂલમાં આવી શકયા ન હતા. ૬૧માંથી ૩૩ બસો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શુક્રવારે રાત્રિથી જ મોકલી આપવામાં આવી હતી. પરિણામે સાંજે પણ બસ સ્ટેન્ડ પર મુસાફરોના ટોળાઓ જામ્યા હતા અને ના છુટકે તેઓ ખાનગી વાહનો દ્વારા તેમના ઘરે ગયા હતા.