દાહોદમાં કરંટ લાગતાં વાંદરી ઘાયલ, બચ્ચાંનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાયલ વાનર રસ્તા પાસે જ બેઠો હોવાથી થોડીવાર માટે રસ્તો બંધ થઇ ગયો દાહોદ શહેરના કથીરિયા બજાર સ્થિત બુરહાની મહોલ્લામાં પોતાના બચ્ચાને લઇને જતી વાંદરીને વીજ કરંટ લાગતાં નીચે પટકાયેલા તેના બચ્ચાનું મોત થયું હતું. સાથે વાંદરી પણ ઘાયલ થઇ હતી. ઘાયલ વાંદરી રસ્તા નજીક જ બેઠી હોવાથી લોકોએ પસાર થવાનું બંધ કરતાં થોડા સમય માટે રસ્તો બંધ થઇ ગયો હતો. અંતે મૃત વાનરને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર દાહોદ શહેરના કથીરિયા બજારના નવાપુરા વિસ્તારના બુરહાની મહોલ્લામાં એક વાંદરી બચ્ચાને પેટ સરસો ચાંપીને એક ધાબા ઉપરથી બીજા ધાબા ઉપર કૂદી રહી હતી. તે વખતે વીજ વાયરને અડકી જવાને કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી બચ્ચુ પેટથી છુટીને નીચે પટકાતાં તેનું મોત થયું હતું. આ સાથે ઘાયલ થયેલી વાંદરી પણ નીચે પટકાઇ હતી પરંતુ તેનો જીવ બચી ગયો હતો. ઘાયલ વાંદરી ભાગી શકવાની ક્ષમતામાં નહીં હોવાથી તે બચ્ચાના મૃતદેહથી થોડે દૂર જ બેસી ગઇ હતી. ઘાયલ વાંદરી હુમલો કરશે તેવા ભયથી લોકોએ બુરહાની મહોલ્લાના રસ્તેથી અવર-જવર બંધ કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં ઝુઝરભાઇ નામક યુવકે રિક્શામાં બેસી ત્યાંથી પસાર થઇ મૃત બચ્ચાને ઉચકી લીધો હતો.