ગાયના હત્યારાને ૬ માસની કેદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝામપુરામાં ૨૦૦૩ની સાલમાં ત્રણ ગાયની હત્યાના કેસમાં પાંચ ઈસમ વિરુદ્ધ કેસ નોંધાયો હતો: ઘટના સ્થળેથી પોલીસ ત્રણ ગાયના માંસને કબજે કર્યું હતું મહુધા તાલુકાના નિઝામપુરામાં ૨૦૦૩ની સાલમાં ત્રણ ગાયના હત્યારાને મહુધાની કોર્ટના ન્યાયાધિશ ડી. એચ ખંભાતીએ છ માસની સખત કેદની સજા ફટકારી હતી. સજા ઉપરાંત રૂ. એક હજાર દંડ. દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ પણ કર્યો હતો. નિઝામપુરના ઇન્દિરાનગરી વિસ્તારમાં ગૌ હત્યા કરીને તેનાં માંસનો જથ્થો બહાર મોકલલામાં આવતો હોવાની બાતમીના આધારે મહુધા પોલીસે ૧૦ માર્ચ, ૨૦૦૩ના રોજ સાંજે છ કલાકે દરોડો પાડ્યો હતો. દરોડાના સમયે ગૌ હત્યા કરીને તેનાં માંસનો જથ્થો ભેગાં કરતાં પાંચ ઇસમે પોલીસને જોઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી હત્યા કરાયેલી ત્રણ ગાયનો માંસનો જથ્થા કબજે કર્યો હતો. આ સંદર્ભે મહુધા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇની ફરિયાદના આધારે પોલીસે ગૌ હત્યા કરનારા આરોપી કાલેખા અબ્દેરહેમાન પઠાણ, અહેમદભાઇ અબ્દુલકરીમ શેખ, અલાદભાઇ મહંમદહુસેન શેખ, કમાલભાઇ ઇબ્રાહિમભાઇ શેખ, અમીરખાન આદમખાન સિંધીની દરપકડ કરી તેઓની વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉપરોકત તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ બનાવીને મહુધાની કોર્ટમાં મુકી હતી. આ કેસની સુનાવણી મહુધાની કોર્ટમાં હાથ ધરાતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યાં બાદ કોર્ટના ન્યાયાધિશ ડી.એચ.ખંભાતીએ આરોપી કાલેખાં અબ્દેરહેમાન પઠાણને કસુરવાર ઠરાવીને છ માસની સખત કેદની સજા અને રૂ. ૧૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસના અન્ય ચાર આરોપીને શંકાનો લાભ આપીને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.