'મોદીવિરોધી’ પરિબળોથી કોંગ્રેસ સલામત અંતર રાખશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ પાસે ન હોય તેવી વિધાનસભાની બેઠકોના ઉમેદાવારો વહેલા જાહેર કરવા લાગણી : નિર્ણય હાઈકમાન્ડ પર છોડાયો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં કોંગ્રેસ પાસે ન હોય તેવી વિધાનસભાની બેઠકોના ઉમેદવારો વહેલા જાહેર કરવાની લાગણી વ્યક્ત થઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ તરફી વાતાવરણ બનાવવા માટે મોદીવિરોધી પરિબળોથી સલામત અંતર રાખીને ૨૦૦૭ની ચૂંટણીનું પુનરાવર્તન અટકાવવા અને ગુજરાતમાં મોદીના વિકલ્પ તરીકે કોંગ્રેસ ઊભરે તેવું વાતાવરણ સર્જવા આક્રમક આંદોલનાત્મક કાયક્રમો આપવા પર ભાર મુકાયો હતો. અલબત્ત ઉમેદવારો વહેલા જાહેર કરવા અંગેનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડાયો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિ‌લ, પ્રભારી મોહનપ્રકાશ સહિ‌તના પ્રદેશના આશરે ૪૮ જેટલા આગેવાનોની કોર કમિટીની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે કોંગ્રેસનાં સૂત્રોએ જણાવ્યું કે, વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી જે બેઠકો કોંગ્રેસ પાસે નથી અને ગત ચૂંટણીમાં જે બેઠકો પાતળી સરસાઈથી ગુમાવી છે તેવી બેઠકોના ઉમેદવારો વહેલા જાહેર કરવા જોઈએ.

ઉમેદવારો વહેલા જાહેર કરવા પાછળનો હેતુ જણાવતાં સૂત્રોએ કહ્યું કે, છેલ્લી ઘડી સુધી ટિકિટ મળશે કે નહીં તેવી આશંકાને પગલે સક્રિય ઉમેદવારોને ચૂંટણીની તૈયારી-પ્રચાર માટે પૂરતો સમય મળતો નથી. ભૂતકાળની ચૂંટણીમાં અનિર્ણાયક સ્થિતિને કારણે કોંગ્રેસે નજીવા માર્જિનથી અનેક બેઠકો ગુમાવી છે, એટલે કે આ બેઠકો માટે સમયસર ઉમેદવારો જાહેર કરાયા હોત તો ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ હાલની સરખામણીએ ઘણી સારી હોત.

કેશુભાઈ પટેલે શરૂ કરેલા મોદીવિરોધી જંગનો ઉલ્લેખ કર્યા વિના ગુજરાતમાં મોદીવિરોધી પરિબળોથી સલામત અંતર રાખીને ગુજરાતમાં કોંગ્રેસ જ ભાજપનો ઉત્તમ વિકલ્પ છે તેવું વાતાવરણ સર્જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપના બળવાખોર ધારાસભ્યોને ટિકિટ આપી હતી, જેમાં પ્રજાએ બાબરાના ધારાસભ્ય બાવકુ ઉંધાડ સિવાયના તમામનો કરુણ રકાસ થયો હતો.

આ ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે ભાજપના અસંતુષ્ટો અને અન્ય વિરોધીઓ પર નિર્ભર રહેવાને બદલે કોંગ્રેસે જ મોદી સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ, કુશાસનને ઉજાગર કરતા આક્રમક આંદોલનાત્મક કાર્યક્રમો લઈને પ્રજા સમક્ષ જવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવતાં સૂત્રોએ કહ્યું કે, સાથોસાથ અત્યાર સુધીમાં કોંગ્રેસે આપેલા સત્કર્મ, પરિવર્તન યાત્રા, આદિવાસી અધિકાર રેલી સહિ‌તના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.

પક્ષ કે નેતા માટે 'લૂઝ ટોક’ ન થાય તેની તકેદારી રાખવી

સરકાર સામેના ચૂંટણી જંગમાં કોંગ્રેસના નિષ્ક્રિય નાના-મોટા, જુનિયર-સિનિયર નેતાઓને સાંખી ન લેવા અને તમામ આગેવાનોએ ખભેખભા મિલાવીને કાર્યકરોનું મોરલ બૂસ્ટ કરવા એકસૂર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ પક્ષ કે નેતાઓ માટે 'લૂઝ ટોક’ ન થાય તેની ખાસ તકેદારી રાખવા આગેવાનોએ સંમતિ વ્યક્ત કરી હતી. જો તમામ કોંગીજનો એક થઈને ચૂંટણીમાં ઝુકાવે તો ગાંધીનગરની ગાદી કોંગ્રેસ માટે દૂર નથી તેવાં મંતવ્યો તમામ આગેવાનોએ વ્યક્ત કર્યાં હતાં.