સીઓ પર હુમલો: ૩ કસ્ટડીમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોરના સીઓ પર હુમલા કેસમાં આરોપીને કોર્ટ કસ્ટડીમાં ધકેલાયાં બાલાસિનોર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપર બાકી બિલો સંદર્ભે નવ ઇસમોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે સંદર્ભે શહેર પોલીસે રવિવારે રાત્રે ત્રણ ઇસમોની અટકાયત સોમવારે કોર્ટમાં રજુ કરતાં ન્યાયાધીશે કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. બાલાસિનોર પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ચીફ ઓફિસર યોગેશભાઇ ગણાત્રા પાણી, ગટર વગેરેના પ્રશ્નો અંગે પાલિકાપ્રમુખ ઇરફાનભાઇ પઠાણ તથા અન્ય સભ્યો સાથે ચર્ચા કરતા હતા. આ સમયે મુકુન્દભાઇ ત્રીકમભાઇ ચૌહાણ, રોહિ‌તભાઇ પટેલ,રાજેશભાઇ પાઠક, ઉદેસિંહ ઠાકોર, જયંતિભાઇ ફુલાભાઇ પટેલ, અલ્કેશભાઇ પ્રજાપતિ, સુભાષભાઇ પટેલ તથા મુકુન્દભાઇના બે ભત્રીજાએ પ્રમુખની ચેમ્બરમાં ધસી બાકી બિલો સંદર્ભે બોલાચાલી કરી હતી. આ સમયે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા ઇસમોએ પ્લાસ્ટીકની ખુરશીઓ અને રીવોલ્વીંગ ચેર લઇ યોગેશભાઇને માર મારવા લાગ્યા હતા. આ સમયે એક ઇસમે યોગેશભાઇની રૂ. ૧૨ હજારની વીંટી તફડાવીને ફરાર થઇ ગયા હતા. આ સંદર્ભે યોગેશભાઈની ફરિયાદના આધારે બાલાસિનોર પોલીસે નવ ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે સંદર્ભે બાલાસિનોર પી.આઇ. વી.પી.ગામીતે રવીવારે રાત્રે પાલિકાના સભ્ય, ઉદેસિંહ ધૂળાભાઇ ઠાકોર, રોહિ‌તભાઇ મનુભાઇ પટેલ, તથા અલ્કેશભાઇ ઓચ્છવલાલ પ્રજાપતિની અટકાયત કરી હતી. આ ઇસમોને પોલીસે સોમવારે સાંજના કોર્ટમાં રજુ કરતાં ન્યાયાધીશે કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. હજુ છ ઇસમો નાસતા ફરતા હોવાનું જાણવા મળેલ છે.