કલોલમાં એન્જિ.ના વિદ્યાર્થીનો અપહરણનો પ્રયાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુમાબુમ થતાં અપહરણકારો નાસી છૂટયાં : સફેદ સકારમાં આવેલા બે શખ્સો બળજબરીથી યુવાનને ખેંચી જતા હતાં ગાંધીનગર જિલ્લાનાં કલોલ હાઇવે પર આવેલી એન્જિનિયિંરગ કોલેજના એક વિદ્યાથીનું અપહરણ કરવાના બે શખ્સોના પ્રયાસથી કલોલમાં શહેર અને કોલેજ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે વિદ્યાર્થીએ આપેલી અરજીનાં આધારે કલોલ પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યંત ચોંકાવનારી આ ઘટના અંગે જાણવા મળે છે કે કલોલ નજીક હાઇવે ઉપર આવેલી ઇજનેરી કોલેજમાં બપોર પડેલી રિશેષ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ લટાર મારવા માટે ગેટની બહાર હાઇવે ઉપર નીક્ળ્યા હતાં. તે દરમિયાન કોલેજના ગેટ નજીકમાં વિદ્યાથીઓ ઉભા હતાં ત્યારે એક સફેદ કલરની કાર આવીને થોડે દૂર ઉભી રહી હતી. તેમાંથી નીકળેલા બે શખ્સો અમદાવાદના વિદ્યાર્થી ચિંતન પટેલ પાસે આવ્યાં હતાં અને તેને પકડી જબરજસ્તીથી ખેંચી કારમાં ધકેલી રહ્યાં હતાં, તે દરમિયાન ચિંતને બૂમાબૂમ કરી મુકતાં અન્ય વિદ્યાથીઓ અને તેના મિત્રો તેમજ નજીકમાંથી લોકો દોડી આવ્યાં હતાં. દોડી આવેલા ટોળાની આક્રમકતા જોઇ વિદ્યાર્થીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં બે શખ્સો દોડીને કારમાં બેસી નાસી છૂટયાં હતાં. અચાનક બનેલી ઘટનાથી ચિંતન એકાએક ગભરાઇને ડઘાઇ ગયો હતો. આ ઘટનાથી કોલેજ કેમ્પસમાં ભારે ચકચાર સાથે વિદ્યાર્થીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી. જો કે આ અંગે વિદ્યાર્થીએ આપેલી અરજીનાં આધારે કલોલ પોલીસે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થી‍ને કયા કારણોસર ઉઠાવી જવામાં આવતો હતો, તેમજ તેને કોઇની સાથે દુશ્મનાવટ કે અણબનાવ બન્યો હતો, કે કેમ તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.