સવારની ચા બની મોંઘી: હવે અમૂલ દૂધમાં તોળાતો ભાવવધારો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ડીઝલ, રાંધણ ગેસ પછી સવારની ચા પણ મોંઘી બનશે - ભાવમાં લિટરે બે સુધીનો વધારો ઝીંકાવાની સંભાવના

ફોનના બિલથી માંડીને ભોજન સુધી બધુંય મોંઘુ થઈ ગયું છે ત્યારે સવારની ચા કેમ બાકાત રહે. પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો અને વરસાદની અનિયમિતતાથી ઘાસચારો મોંઘો થતાં અમૂલ દૂધના ભાવમાં ફરી એક વખત પ્રતિલિટર રૂપિયા એકથી બેનો ભાવ વધારો ઝીંકાઈ તેવી શક્યતા છે. આ બાબતનો નિર્ણય સોમવારે લેવામાં આવે તેવા એંધાણ છે. વર્ષ ૨૦૧૧માં અમૂલ દૂધના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૨માં એપ્રિલ માસ બાદ ફરી એક વખત ભાવ વધારા પાછળ ડિઝલની કિંમતોમાં વધારાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતાં ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) દ્વારા અમૂલ દૂધની જુદી જુદી બનાવટ પર આગામી દિવસોમાં પ્રતિલિટર રૂપિયા એકથી બેનો વધારો ઝીંકવામાં આવે તેવી શક્યતા છે.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ડિઝલ, પેટ્રોલ અને રાંધણગેસમાં ભાવ વધારો ઝીંકવામાં આવતાં ફેડરેશનના વિવિધ ખર્ચમાં વધારો થતાં ખેડૂતોને પોષણક્ષમ વળતર ચૂકવવું મુશ્કેલ બની ગયું હતું, જેને કારણે વધુ એક વખત ભાવ વધારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે 'પશુપાલકોને અપાતાં દૂધના ભાવમાં વધારો કરવાની ઊભી થયેલી શક્યતા, લેબેર કોસ્ટમાં થયેલો વધારો, ગેસની કિંમતોમાં તોળાતો વધારો અને ઘાસચારો મોંઘો થતાં ખેડૂતોને પશુપાલનનો ખર્ચ વધ્યો હોવાથી ફરી એક વખત ગ્રાહકો પર વધારો ઝીંકાઈ તેવી શક્યતા છે.’

છ વર્ષમાં ૧પ વખત ભાવ વધ્યાં

વર્ષ ૨૦૦૬માં માર્ચ અને સપ્ટેમ્બર, વર્ષ ર૦૦૭માં ફેબ્રુઆરી અને ઓગસ્ટ, વર્ષ ૨૦૦૮માં માર્ચ અને જુલાઈ, વર્ષ ર૦૦૯માં મે, જુલાઇ અને સપ્ટેમ્બર, વર્ષ ૨૦૧૦માં ફેબ્રુઆરી અને જુલાઈ, વર્ષ ૨૦૧૧માં જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ તથા વર્ષ ૨૦૧૨માં એપ્રિલ મહિ‌નામાં અમૂલ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા એકથી બેનો વધારો કરવામાં આવ્યો હતો.

સોમવારે નિર્ણય લેવાશે

ખેડૂતોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી છે. દૂધના ભાવ વધારા અંગે સોમવારે જ હું કંઈ કહી શકીશ. - આર. એસ. સોઢી, મેનેજિંગ ડિરેક્ટર, જીસીએમએમએફ