અડવાણીએ ત્રણ વર્ષે જિલ્લાના વિકાસની રૂબરૂ સમીક્ષા કરી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓની સફળતાને બિરદાવતા ગાંધીનગરના સાંસદ ગાંધીનગરના ભાજપના સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ ત્રણ વર્ષ પછી જિલ્લાના વિકાસની રૂબરૂમાં સમીક્ષા કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ગાંધીનગર વિજિલન્સ અને મોનિટરિંગ કમિટીની બેઠક અડવાણીના અધ્યક્ષસ્થાને શુક્રવારે સાંજે મળી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતે અનેક ક્ષેત્રે વિકાસ સાધીને નવાં પરિમાણો હાંસલ કરી દેશને દિશા આપી છે. તેમણે પાણી પુરવઠા યોજના અંતર્ગત ડોર-ટુ-ડોર વોટર કનેક્શન અને સેનિટેશન ક્ષેત્રે સીમાચિહ્ન કામગીરી માટે માર્ગદર્શન આપતાં કહ્યું હતું કે આ ક્ષેત્રે પણ ગુજરાત દેશને નવતર મોડલ પૂરું પાડશે. અડવાણીએ ગ્રામ વિકાસમાં જિલ્લામાં અમલી બનેલા વિવિધ કાર્યક્રમો જેવા કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ ,ઇન્દિરા આવાસ યોજના,સ્વર્ણિમ જયંતી ગ્રામ સ્વરાજ યોજના ,ટોટલ સેનિટેશન કેમ્પેઇન, નિર્મળ ગુજરાત,પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે ચાલતાં વિવિધ કાર્યક્રમોના સફળ અમલીકરણની માહિ‌તી મેળવી આ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે વહીવટીતંત્રને અભિનંદન આપી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અડવાણીએ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનની અસરકારકતા વિશે માર્ગદર્શન આપી વિજિલન્સ અને મોનિટરિંગ કમિટીમાં આ વિશેની વિસ્તૃત સમીક્ષા કરવા સૂચન કર્યું હતું. જિલ્લા કલેક્ટર પી. સ્વરૂપ અને જિલ્લા વિકાસ અધિકારી એમ.એ. ગાંધીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત થયેલાં કામો વિશેની વિસ્તૃત માહિ‌તી આપી હતી તથા નિર્મળ ગ્રામ યોજના અંતર્ગત માણસા તાલુકાને મોડલ તાલુકો બનાવી અન્ય તાલુકા માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા જણાવ્યું હતું.