રાઇડનું લોક આપમેળે ખૂલી જતાં દીકરી પટકાઇ : અમે FIR નોંધાવીશું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાઇડનું લોક આપમેળે ખૂલી જતાં દીકરી પટકાઇ : અમે FIR નોંધાવીશું
રાઇડ પ્રોપર બંધ ન થવાથી ઉતરવા જતાં દુર્ઘટના સર્જા‍ઈ

વડોદરા: આજવા ફનવર્લ્ડ સ્થિત બ્રેકડાન્સ રાઇડનું લોક ખરાબ હોવાથી જ આપમેળે જ ખૂલી જતાં મારી દીકરી પટકાઇ હતી. તેને ગંભીર ઇજા પહોંચતાં આજે પણ સારવાર હેઠળ છે. અમે ફનવર્લ્ડના સંચાલકોની નિષ્કાળજી અંગે એફઆઇઆર નોંધાવીશું તેમ ઘાયલ વિદ્યાર્થિ‌નીના પિતાએ સોમવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ગત શનિવારે આજવા ફનવર્લ્ડ ખાતે ફરવા માટે ગયા હતા. બપોરે બ્રેકડાન્સ રાઇડમાં બેઠેલા વિદ્યાર્થીઓ પૈકી ફાર્મસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હાલોલની ૧૭ વર્ષીય જાવી સંજીવભાઇ પરીખ એકલી જ બેઠી હતી. રાઇડનું સેફ્ટી લોક ખૂલી જતાં વિદ્યાર્થિ‌ની ચાલુ રાઇડમાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા પહોંચી હતી. વાઘોડિયા પોલીસે જાણવાજોગ નોંધ લઇને તપાસ શરૂ કરી છે.

બીજી તરફ ફનવર્લ્ડના માર્કેટિંગ મેનેજર વિમલ પટેલે તો રાઇડ પ્રોપર બંધ થયા વગર વિદ્યાર્થિ‌ની ઉતરવા જતાં ઘટના બની હોવાનું કહ્યું હતું. ફનવર્લ્ડ સંચાલકના નિવેદનથી વિદ્યાર્થિ‌નીના પિતા હેબતાઇ ગયા હતા. પિતા સંજીવ પરીખે જણાવ્યું હતું કે, ચાલુમાં લોક ખોલવાની વાત તદ્દન ખોટી છે. રાઇડનું લોક જ ખરાબ હોવાથી આપમેળે ખૂલી ગયું હતું. મારી દીકરી એસ્સેલ વર્લ્ડમાં પણ બેઠેલી છે અને પેરાગ્લાઇડિંગ પણ કરેલું છે. તેને એટલી તો ખબર છે જ કે ચાલુ રાઇડમાં લોક ખોલીને ન ઉતરાય.

આ દૂર્ઘટના ના કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે, વર્ષોથી એક જ રાઇડ રખાઇ છે અને તેનું મેન્ટેનન્સ પણ કરતા નથી. તેમની નિષ્કાળજીના કારણે જ મારી દીકરીને ગંભીર ઇજા થઇ છે. જો ફનવર્લ્ડના સંચાલકો સામે પગલાં નહિ‌ ભરાય તો આવી જ રીતે બનાવો બનશે અને લોકો ભોગ બનતા રહેશે. હાલ પોલીસ એનસી લઇ કાર્યવાહી કરી રહી છે પરંતુ મારી દીકરી હોસ્પિટલમાંથી આવે પછી અમે ફનવર્લ્ડના સંચાલકોની નિષ્કાળજી અંગેની એફઆઇઆર કરીશું. વિદ્યાર્થિ‌નીના પિતાના વલણ સંદર્ભે ફનવર્લ્ડના માર્કેટિંગ મેનેજર વિમલ પટેલનું મંતવ્ય જાણવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો કોઇ સંપર્ક નહિ‌ થતાં તેમનું મંતવ્ય જાણી શકાયું નથી.

નિષ્ણાત પાસે લોકની તપાસ કરાવીશું
બ્રેકડાન્સ રાઇડમાંથી પડી ગયેલી વિદ્યાર્થિ‌નીના બનાવના તપાસકર્તા એએસઆઇ ગમરસિંહને પૂછતાં તેમણે કહ્યું હતું કે હાલ જાણવાજોગ નોંધ લઇને જ નિવેદન લેવાની કાર્યવાહી ચાલી રહી છે. લોક આપમેળે જ ખૂલી ગયું હોવાનું તપાસમાં નીકળશે તો ફરિયાદ પણ કરીશું. સેફ્ટી લોકનું નિષ્ણાત પાસે પરીક્ષણ પણ કરાવવામાં આવશે.