ચોરી કરી પત્ની માટે દાગીના ખરીદનારને ૩ દિ’ના રિમાન્ડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉના પાકીટમારને પોલીસે ઝડપી પાડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા ગાંધીધામથી લકઝરી બસમાં વડોદરા આવી રહેલી મહિ‌લાની નજર ચૂકવી તેમના ૨.૪૮ લાખની મતા ભરેલા પર્સની તફડંચી કરનાર ગઠિયાને છાણી પોલીસ મથકના હવાલે કરાતાં પોલીસે તેને અદાલતમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી અનુસાર, ગાંધીધામમાં રહેતાં કલ્પનાબેન શૈલેષભાઈ પરમાર ગત ૨૦મી તારીખની રાતે ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેસી ગાંધીધામથી વડોદરા આવતાં હતાં તે સમયે તેમનું પર્સ જેમાં સોનાચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડા ૨૦ હજાર સહતિ ૨.૪૮ લાખની મતા હતી તેની ચોરી થતાં આ બનાવની છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ડીસીબી પોલીસે બાતમીના પગલે ઝાકીરહુસેન રમજાન હીંગોરેજા (સામખ્યારી પાણીની ટાંકી પાસે,ભચાઉ)ને ઝડપી પાડતાં તેણે ઉક્ત ચોરીની કબૂલાત કરતાં તેને છાણી પોલીસના હવાલે કરાયો હતો. વધુમાં મળતી માહિ‌તી મુજબ તેણે ચોરીના દાગીના જલગાંવના સોનીને વેચી તેમાંથી પત્ની માટે દાગીના અને તેની માટે બાઈક ખરીદીની કબૂલાત કરી હતી. તેની પાસેથી દાગીના વેચ્યાનું બિલ મળ્યું છે. જેથી દાગીના કબજે કરવાના છે, તેણે અલ્લારખા અબુબખર પાસેથી સુરત પાસિંગની બાઈક ખરીદી કરી છે તેની તપાસ કરવાની છે, તેણે અગાઉ આ રીતે ચોરી કરી છે કે કેમ તેની તપાસ કરવાની હોઈ પોલીસે તેને અદાલતમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.