અકોટામાં ગંદકી અટકાવવા વોચમેન મુકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- અકોટામાં ગંદકી અટકાવવા વોચમેન મુકાશે
- 3 સોસાયટીનાં રહિશો અને કોર્પોરેટરનો કાયમી ગંદકીવાળા સ્પોટની સ્વચ્છતા જાળવવા નિર્ણય
વડોદરા : અકોટાની ત્રણ સોસાયટીઓનાં રહીશોએ પોતાના વિસ્તારમાં આવેલા કચરાની કાયમી સ્પોટ પર કોઇ વ્યક્તિ કચરો ન નાખે તે માટે 12 કલાક માટે વોચમેન બેસાડવાનો નિર્ણય કર્યો છે. જો આગામી ત્રણ માસ સુધી આ પ્રયોગ સફળ રહ્યો,તો તેમાં વધુ સોસાયટીને જોડવામાં આવશે. શહેરના અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મુખ્ય રસ્તા પર એ1 થી 9 મકાનોના પ્રવેશદ્વાર પાસે વર્ષોથી લોકો કચરો નાખી જાય છે. આ સ્થળ કચરાની કાયમી સ્પોટ બની ગઈ છે.

વારંવાર પ્રયાસો કરવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ થઇ શક્યું નથી. આખરે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રવિવારે આ વિસ્તારના કોર્પોરેટર ડો.વિજય શાહ અને રાધાકૃષ્ણ પાર્ક, અનુરાગ સોસાયટી અને ગુલમહોર સોસાયટીના પ્રતિનિધઓની બેઠક મળી હતી. જેમાં કચરાના આ કાયમી સ્પોટ પર કોઇ વ્યક્તિ કચરો ન નાખે તે માટે વોચમેન બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સવારે આઠથી સાંજે આઠ વાગ્યા સુધી એક વોચમેન આ સ્પોટ પર 12 કલાક સુધી તૈનાત કરાશે. આ વોચમેનનો અડધો પગાર આ ત્રણ સોસાયટીનાં રહીશો આપશે જ્યારે અડધા પગારની વ્યવસ્થા કોર્પોરેટર ડો.વિજય શાહ કરશે.
ગંદકી અટકાવવા સાહિયારો પ્રયાસ
સોસાયટી પાસે વર્ષોથી કચરાની કાયમી સ્પોટ છે જેથી આ સ્થળે ગંદકી ન થાય અને કોઇ કચરો ન નાખે તે માટે ત્રણ મહિના સુધી 12 કલાક માટે માણસ બેસાડવાનું નક્કી કર્યું છે. > સંજય કાછિયા, રાધાકૃષ્ણ પાર્ક,

એવું લાગે છે કે હવે આ સ્થળે માણસ મૂકવાથી કચરો નાખવાનું બંધ થઇ જશે. આ પ્રકારના પ્રયાસ કરવા જ જોઇએ. તો સફળતા મળશે.
- ડો.બી.એમ.પલાણ, ગુલમહોર સોસાયટી

માણસ મૂકવાનો સામૂહિક નિર્ણય છે . 3સોસાયટીનાં રહીશો ફંડ આપશે. પ્રાયોગિક ધોરણે નિવારણનો પ્રયાસ કર્યો છે. સફળતા બાદ વધુ નિર્ણય લેવાશે.
- કમલેશ શાહ, અનુરાગ સોસાયટી
સમસ્યાના કાયમી નિરાકરણ તરફ કદમ
વડોદરા શહેરમાં સંખ્યાબંધ કાયમી કચરાની સ્પોટ છે અને વારંવાર પ્રયાસો કરવા છતાં દૂર કરી શકાતી નથી. આ ત્રણ સોસાયટીઓનાં રહીશોને એકત્ર કરી સવારથી સાંજ આ સ્પોટ પર માણસ મૂકવાનું નક્કી કર્યું છે. જે લોકોને કચરો નાખતાં અને ગંદકી કરતાં અટકાવશે.આ માણસનો અડધો પગાર રહીશો અને અડધા પગારની વ્યવસ્થા હું કરીશ.> ડો.વિજય શાહ, સ્થાનિક કોર્પોરેટર