દેવઊઠી એકાદશી : આજે વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રા નીકળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-રાત્રે ૧૦ કલાકે વેદોક્ત વિધિ સાથે શ્રીજીના તુલસીજી સાથે વિવાહ સંસ્કાર યોજાશે
-પાલખીનો શણગાર કરવામાં આવ્યો

વડોદરામાં પ્રતિવર્ષ કારતક-સુદ ૧૧, દેવઊઠી એકાદશી પ્રસંગે યોજાતો ભગવાન વિઠ્ઠલનાથજીનો ૨૦પ મા વર્ષનો પરંપરાગત વરઘોડો આવતીકાલે બુધવારે યોજાવાનો હોઇ મંગળવારે દિવસભર વિઠ્ઠલ મંદિરમાં શ્રીજીના વરઘોડાની તૈયારીઓ કરાઇ હતી. ભગવાન વિઠ્ઠલનાથજી દેવઊઠી એકાદશીએ પાલખીમાં બિરાજમાન થઇ નગરયાત્રાએ નીકળી શહેરીજનોને દર્શન આપશે.

રાજવી પરિવાર સંચાલિત દેવસ્થાન ટ્રસ્ટ હેઠળના માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક વિઠ્ઠલ મંદિર ખાતેથી વર્ષમાં બે વખત દેવશયની અને દેવઊઠી એકાદશીએ શ્રીજીના વરઘોડાનું આયોજન થાય છે. જે અંતર્ગત આવતીકાલે દેવઊઠી એકાદશીએ ૨૦પ વર્ષની પરંપરા મુજબ યોજાતા શ્રીજીના વરઘોડાની તૈયારીઓના ભાગરૂપે વિઠ્ઠલ મંદિર ખાતે મંગળવારે ભગવાનની પાલખીનો શણગાર, મંદિરને સુશોભન અને તુલસી વિવાહ પૂર્વેની કામગીરી કરવામાં આવી હતી.

બુધવારે સવારે ૯ કલાકે વિઠ્ઠલ મંદિર ખાતે રાજવી પરિવારના સભ્યોના હસ્તે ભગવાનનું પૂજન અર્ચન-મહાઆરતી થયા બાદ શ્રીજીને પાલખીમાં આરૂઢ કરી ભજન મંડળીઓ, નિશાન-ડંકા, બેન્ડવાજા સાથે પાલખીયાત્રા-વરઘોડાનો પ્રારંભ થશે. અને કામનાથ સ્મશાનની બાજુમાં ગહિ‌નાબાઇ બાગ, લિંબુવાડીમાં બપોરે ૧ કલાકે પહોંચશે. જ્યાં ગહિ‌નાબાઇ મહાદેવ અને શ્રીજી-હરિહરની મુલાકાત થશે. હરિહરનું પૂજન-અર્ચન-આરતી થયા બાદ બપોરે ૨ કલાકે વરઘોડો પુન: શરૂ થઇ સાંજે પ કલાકે નિજમંદિર ખાતે પરત આવશે. મંદિરમાં રાત્રે ૧૦ કલાકે વેદોક્ત વિધિ સાથે શ્રીજીના તુલસીજી સાથે વિવાહ સંસ્કાર યોજાશે.

રણછોડજી મંદિરેથી રાતે ૮ વાગે શોભાયાત્રા
એમ.જી.રોડ પર આવેલા ૧૬૮ વર્ષ જૂના શ્રી રણછોડજી મંદિર ખાતેથી આવતીકાલે દેવઊઠી એકાદશીએ સાંજે ૬ કલાકે તોપનું પરંપરાગત પૂજન થશે. ત્યારબાદ રાત્રે ૮ કલાકે શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રા માંડવી, મહેતા પોળ થઇ મહાલક્ષ્મી મંદિરે પહોંચ્યા બાદ ભગવાનના તુલસી સાથે વિવાહ યોજાશે. શોભાયાત્રા,ઘડિયાળી પોળ થઇ ગુરુવારે સવારે ૭ કલાકે નિજ મંદિરે પરત આવશે.