વડોદરામાં શુદ્ધના નામે નકલી ઘીનો વેપલો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૦૪ પાઉચ નકલી ઘી સાથે બે વ્યક્તિઓની ધરપકડ બ્રાન્ડેડ કંપનીના નામના શુદ્ધ દેશી ઘીના નામે ભેળસેળવાળું ઘી બનાવતી મિનિ ફેક્ટરી પર ડીસીબી પોલીસે દરોડો પાડી એક સગીર સહિ‌ત બે વ્યકિતઓની અટકાયત કરી હતી. પોલીસે મિનિ ફેકટરીમાંથી ૧૦૪ પાઉચ, પેકિંગ માટે ટબમાં બનાવેલું પ કિલો ઘી તેમજ પાઉચ બનાવવાના સાધનો જપ્ત કર્યા હતા. વાડી પોલીસ મથક પાછળ એચ એમ ડભોઈવાલાની ગલી પાસે રહેતો આશીષ ઉર્ફ સંદીપ શંકર પટણી ગાજરાવાડી વિસ્તારમાં સુએઝ પંપિંગ સ્ટેશન પાસેના ગોકુળનગરમાં ભીખાભાઈ રબારીનું મકાન ભાડે રાખી તેમાં નકલી શુદ્ધ ઘી બનાવતો હોવાની ડીસીબી પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના પગલે ૨૩મી તારીખની રાતે એએસઆઈ દિલીપભાઈ સહિ‌તના સ્ટાફે ઉક્ત સ્થળે દરોડો પાડયો હતો. દરોડામાં આશીષ તેમજ તેની સાથે એક ૧૬ વર્ષી‍ય કિશોર ઘી ના પાઉચ બનાવતા રંગે હાથ ઝડપાયાં હતાં. સેવાસદનના ફુડ એન્ડ સેફ્ટી ઓફિસર વિપુલભાઈ રાણાને જાણ કરતા તેઓની પ્રાથમિક તપાસમાં શુદ્ધ દેશી ઘીના નામે ભેળસેળયુકત ઘી બનાવવાનો વેપલો થતો હોવાની વિગતો મળતાં જ પોલીસે દરોડો પાડતા અમૂલ, સાગર અને બરોડા ડેરીના સુરભી શુદ્ધ ઘીના માર્કાવાળા પ૦૦ ગ્રામ ઘીના કુલ ૧૦૪ પાઉચ તેમજ બ્રાન્ડેડ કંપનીના નામના ૩૬ ખાલી પાઉચ, ડબ્બા, ૭ કિલો વનસ્પતિ ઘી, ૧પ કિલો પામોલીન તેલ તેમજ પાઉચમાં પેક કરવા માટે પ્લાસ્ટિકના ટબમાં તૈયાર કરેલું પ કિલો ભેળસેળયુક્ત ઘીનું મિશ્રણ મળી આવ્યું હતું. પોલીસે ભેળસેળવાળું ઘી બનાવવા ઉપયોગમાં લેવાતો રાંધણ ગેસનો સિલિન્ડર, ગેસની સગડી, વજનકાંટો, પાઉચપેકિંગ માટેના મશીન, ડબ્બા સીલ કરવા નું મશીન તેમજ બે મોબાઈલ ફોન સહિ‌ત ૨૦ હજારથી વધુની મતા જપ્ત કરી હતી. પોલીસે આશીષ પટણી અને તેના સગીર વયના સાગરીત વિરુદ્ધ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. શુદ્ધ ઘી સમજી લોકોએ દવા માટે ઉપયોગ કર્યો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આશીષ પટણીએ કેટલા દિવસથી આ કૈાભાંડ આચરતો હતો તેમજ તેણે શહેર અને શહેર બહાર કેટલા વેપારીઓને ભેળસેળયુક્ત ઘીનો જથ્થો વેચ્યો છે,અને તેની સાથે આ કૌભાંડમાં કોણ સામેલ છે તેની વિગતો મેળવવા પોલીસે તેના સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતું તે નામંજૂર થતાં તેનો જામીન પર છૂટકારો થયો હતો. ઉલ્લેખનીય છે કે આશીષ પટણી દ્વારા તૈયાર કરાયેલાં આવું ભેળસેળવાળું ઘીને કેટલાય લોકોએ શુદ્ધ ઘી સમજીને તેનો દવા તરીકે પણ ઉપયોગ કર્યો હોઈ તેઓના સ્વાસ્થય સાથે ચેડાં થયા છે.