બ્રિજેશ સામેની તપાસમાંથી DySP ઉષા રાડાને હટાવાશે?

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાભઇના પરિવાર સાથેના ગાઢ સંપર્કોનો વિવાદ જવાબદાર

સેંકડો કરોડની જમીનના કૌભાંડમાં સંડોવાયેલા નિવૃત્ત પીઆઇ કાભઇ ચૌહાણના પુત્રો બ્રિજેશ અને જયવિજયની તપાસમાં તેમના પરિવાર સાથે ગાઢ સંપર્કો ધરાવતાં ડીવાયએસપી ઉષા રાડાની હાજરીથી ભારે વિવાદ સર્જાયો છે. ટૂંક સમયમાં આ તપાસમાંથી ઉષા રાડાને હટાવી લેવાશે એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. બીજી તરફ દસ-દસ દિવસ સુધી બ્રિજેશ અને જયવિજય સામેની તપાસનું ઠંડે કલેજે સુપરવિઝન કરનાર ઉષા રાડાએ તેમના કાભઇના પુત્રી રીટા સાથે ગાઢ સંબંધ હોવાનો એકરાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, આજે તેમણે સામે ચાલીને પોતાને તપાસમાંથી દૂર કરવા માટે ડીએસપી સંદીપસિંઘને મૌખિક રજૂઆત કરી છે.

ભાયલી, જાસપુર અને સિંધરોટની ૩૫ કરોડની જમીનમાં બાનાખતના બહાને દસ્તાવેજ કરી લેવાના મુદ્દે નિવૃત્ત પીઆઇ કાભઇ ચૌહાણના બે પુત્રો બ્રિજેશ અને જયવિજય સામે જિલ્લા કલેક્ટરે ગત ૧૪મી મેના રોજ પાસાનો હુકમ કર્યો હતો. પાસાના હુકમ બાદ જિલ્લા પોલીસે ચૌહાણ બંધુઓને પકડવા માટે ધમપછાડા શરૂ કર્યા હતા પરંતુ કલેક્ટરની કાર્યવાહીની અગાઉથી જ ગંધ આવી જતાં બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

બ્રિજેશ-જયવિજયના પ્રકરણમાં એક તરફ કલેક્ટરે તમામ બાજી દાવ પર લગાવી દીધી હતી ત્યારે બીજી તરફ વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી ઉષા રાડાના કાભઇ ચૌહાણની દીકરી રીટા સાથે સંબંધો હોવાનું સપાટી પર આવતાં ખળભળાટ મચી ગયો છે. પાસા ઉપરાંત તાલુકા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ અને જયવિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં ડીવાયએસપી ઉષા રાડાના સુપરવિઝનમાં તપાસ શરૂ થઇ હતી.

મહત્વની વાત એ છે કે, ડીએસપી સંદીપસિંઘ શનિવારથી રજા પર જવાના હોવાથી તેમનો ચાર્જ ડીવાયએસપી ઉષા રાડા પાસે આવશે. આ સંજોગોમાં બ્રિજેશની બહેન રીટા સાથે ગાઢ સંબંધોના વિવાદનો ચરુ ઉકળ્યો છે. જેના પગલે તપાસ સંભાળ્યાના ૧૦ દિવસ બાદ આજે અચાનક તેમણે સ્વયં જિલ્લા પોલીસ વડા સંદીપસિંઘ સમક્ષ જઇ પોતાને સુપર વિઝનમાંથી હટાવી લેવા માટે મૌખિક રજૂઆત કરી હોવાનો એકરાર ‘દિવ્ય ભાસ્કર’ને કરતાં નવો વળાંક આવ્યો છે. અલબત્ત, ટૂંક સમયમાં જ તેમને તપાસમાંથી હટાવી લેવાય તેવા સંકેતો દેખાઇ રહ્યા છે.

બ્રિજેશ ચૌહાણના પરિવાર સાથે ડીવાયએસપી ઉષા રાડાના કોઇ સંબંધ હશે તો ઇન્કવાયરી કરીને સત્ય બહાર લાવવામાં આવશે. જમીનના કેસોની તપાસમાં કોઇપણ રીતે અસર ન પડે તે રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે ડીઆઇજી સહિત ઉપરી અધિકારીને જાણ કરવામાં આવશે.

સંદીપસિંઘ, જિલ્લા પોલીસ વડા

તપાસમાં રહી ગયેલા છીંડા

- ભારે ગુપ્તતા હેઠળ કલેક્ટરે પાસાનો હુકમ કર્યો હોવા છતાં બ્રિજેેશ-જયવિજય ભાગી ગયા એટલે તેમને ગંધ આવી ગઇ હશે
- ઘર,ઓફિસ, ફાર્મહાઉસ સિવાય પોલીસે ક્યાંય શોધખોળ કરી
- ખેડૂતોએ દસ્તાવેજી પુરાવા આપ્યા હોવા છતાં પુરાવા જ એકત્રિત કરતા હોવાનું ગાણુ ગાયું
- બેંક એકાઉન્ટોની તપાસમાં પણ કાંઇ ઉકાળી શકાયું નહિ