• Gujarati News
  • Students Harassment In Commerce Functional Management Paper

કોમર્સના ફંક્શનલ મેનેજમેન્ટના પેપરમાં વિદ્યાર્થીઓ મૂંઝાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક યુનિટના ઓપ્શનમાં અન્ય યુનિટના પ્રશ્નો પૂછાતાં
૨૦ મિનિટ બાકી હતી ત્યારે ભૂલ ધ્યાને આવતાં યુનિટ-૨નો પ્રશ્ન કાઢીને તેની જગ્યાએ યુનિટ-૧નો પ્રશ્ન ઉમેરાયો


એમ.એસ.યુનિવર્સિ‌ટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલતી મિડ સેમેસ્ટરની પરીક્ષામાં આજે ફંકશનલ મેનેજમેન્ટના પ્રશ્નપત્રમાં યુનિટ-૧ના ઓપ્શનમાં યુનિટ-૨નો પ્રશ્ન પેપર સેટરે પૂછતાં પ્રથમ વર્ષનાં ૪પ૦૦ વિદ્યાર્થીઓ મૂંઝાયાં હતાં. બીજી બાજુ ફેકલ્ટીના સત્તાધીશોએ ભૂલ ધ્યાનમાં આવતાં જ યુનિટ-૨નો પ્રશ્ન કાઢીને તેની જગ્યાએ યુનિટ-૧નો પ્રશ્ન મૂકી દઇને વિદ્યાર્થીઓને ૧૦ મિનિટ આપીને પોતાનો છબરડો ઢાંકવાની કોશિશ કરી હતી.

યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ૧૮મીથી ઇન્ટર્નલ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. જેમાં ફસ્ર્ટ યરનાં ૪પ૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. આજે પ્રથમ વર્ષનાં વિદ્યાર્થીઓને ફંકશનલ મેનેજમેન્ટ વિષયનું પ્રશ્નપત્ર હતું.

એક કલાકના પ્રશ્નપત્રમાં અડધો કલાક જેટલો સમય વીત્યા બાદ વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવ્યું કે પેપર સેટરે નિયમ વિરુદ્ધ જઇને યુનિટ-૧ના ઓપ્શનની સામે યુનિટ-૧નો અન્ય પ્રશ્ન પૂછવાને બદલે યુનિટ-૨નો પ્રશ્ન પૂછતાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ભારે મૂંઝાઇ ગયાં હતાં. વિદ્યાર્થીઓએ યુનિટ-૨ના પ્રશ્ન અંગે વર્ગખંડ સુપરવાઇઝર દ્વારા કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોનું ધ્યાન દોરતાં જ પોતાની ભૂલ ધ્યાનમાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી યુનિટ-૨નો પ્રશ્ન હટાવીને તેની જગ્યાએ યુનિટ-૧નો પ્રશ્ન ઉમેરાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં માત્ર પરીક્ષા પૂર્ણ થવાને માત્ર ૨૦ મિનિટ બાકી રહેતાં વિદ્યાર્થીઓ ભારે ગભરાઇ ઊઠયાં હતાં. વિદ્યાર્થીઓની મૂંઝવણ જોઇ અને પોતાનો છબરડો બહાર ન આવે તે માટે ફેકલ્ટીના ડીને નવા પ્રશ્ન માટે વિદ્યાર્થીઓને વધુ ૧૦ મિનિટ આપીને મામલો થાળે પાડવાની કોશિશ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ અને ગર્લ્સ કોલેજ ખાતે લેવાતી પરીક્ષામાં ઘણાં વિદ્યાર્થીઓએ યુનિટ-૨ના પ્રશ્નનો જવાબ લખી નાખ્યો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પેપર સેટરની ભૂલ ધ્યાનમાં આવી હતી.

ફંકશનલ મેનેજમેન્ટ વિષયના છબરડા અંગે કોમર્સ ફેકલ્ટીના કો-ઓર્ડિનેટર શ્યામલ પ્રધાનનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, યુનિટ-૧ના ઓપ્શનમાં યુનિટ-૨નો પ્રશ્ન મૂકાયો હોવાની ભૂલ ધ્યાનમાં આવતાં જ તે સુધારી લેવાઇ હતી. પરીક્ષા શરૂ થઇને ૧પ મિનિટમાં પ્રશ્નોનો છબરડો સામે આવતાં જ પ્રશ્ન-૨ કાઢીને વિદ્યાર્થીઓને નવેસરથી નવો પ્રશ્ન તથા તેની સાથે જવાબ લખવા માટે વધારાની ૧૦ મિનિટ ફાળવવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ પ્રશ્ન-૨નો જવાબ લખ્યો હશે તેમને માર્ક્સનું નુકસાન નહીં જાય.