વડોદરામાં શ્રીજી મંડપમાં કરંટ લાગતાં કિશોરનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવકને છોડાવવા જતાં અન્ય રહીશને પણ કરંટનો ઝટકો લાગ્યો : બનાવને પગલે રહીશોમાં અને પરિવારજનોમાં ગમગીની કરચીયામાં શ્રીજી મંડપમાં પ્લગમાં વાયર નાખવાની રમત કરનાર ૧૪ વર્ષીય કિશોરને વીજ કરંટ લાગતાં મોત થયું હતું. યુવકને છોડાવવા જતાં અન્ય રહીશને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો. બનાવને પગલે પરિવારજનો અને ગ્રામજનો શોકાતૂર બની ગયા હતા. બનાવની વિગતો અનુસાર કરચીયાના ધનકૂવા ફળિયામાં રહેતા શનાભાઇ મોહનભાઇ બારિયા જીએસએફસીમાં કોન્ટ્રાકટ પર વેલ્ડર તરીકે કામ કરે છે. તેમને સંતાનમાં ૧૪ વર્ષીય પુત્ર વિશાલ અને બે વર્ષની એક પુત્રી છે. વિશાલ બાજવાની વાકળ વિદ્યાલયમાં ધો. ૮માં અભ્યાસ કરે છે. ગુરુવારે સવારે વિશાલ મહોલ્લામાં શ્રીજી મંડપે ગયો હતો. જયાં નવ વાગે આરતી પૂરી થયા બાદ તે મંડપમાં વાયરનો ટૂકડો પ્લગમાં નાખી બીજો છોડો હાથમાં પકડયો હતો. સ્વીચ ઓન કરતાંની સાથે જ યુવકને વીજ કરંટનો જોરદાર ઝટકો લાગતા તેના મોઢાંમાંથી ચીસ નીકળી ગઇ હતી. જેથી મંડપ બહાર ઉભેલા અન્ય રહીશો દોડી આવ્યા હતા. એક રહીશે કિશોરને છોડાવવા હાથ લગાવતાં તે પણ કરંટના ઝટકાથી ફંગોળાઇ ગયો હતો. ત્યારબાદ લાકડાંનું સ્ટૂલ ફેંકતા યુવકના હાથમાંથી વાયર છૂટી ગયો હતો. વાયર છૂટતાં જ કિશોર બેભાન થઇ નીચે પટકાયો હતો. પિતા તેને તાબડતોબ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇજતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે કરચીયા ગામમાં ગમગીની વ્યાપી ગઇ હતી. જવાહર નગર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.