વડોદરામાં સેટ ટોપ બોક્સ ૧ હજારમાં અપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી તા.૧ એપ્રિલથી ફરજિયાત થઈ રહેલા ડિજિટલ કેબલ પ્રસારણના અમલમાં ગ્રાહકો પાસેથી સેટ ટોપ બોક્સના મહત્તમ ૧ હજાર લેવાનું જાહેર કરવામાં આવ્યું છે. મનોરંજન વિભાગ દ્વારા આજે શહેરના મુખ્ય ઓપરેટરોની બેઠક બોલાવી આ કિંમત નક્કી કરવામાં આવી હતી. જોકે કેટલાક કિસ્સામાં જો લાંબુ વાયરિંગ કરવાની સ્થિતિ ઊભી થાય તો તે માટે ૧૦૦ સુધીનો ઇન્સ્ટોલેશન ચાર્જ લેવાની છૂટ આપવામાં આવી છે.

૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં આગામી ૧ એપ્રિલથી એનાલોગ સિગ્નલ સિસ્ટમથી પ્રસારણ બંધ કરી ડિજિટલાઇઝેશનના થઈ રહેલા આરંભમાં કેબલ મારફતે ટી.વી. નિહાળવા સેટ ટોપ બોક્સની જરૂરિયાત રહેશે. શહેરમાં ૨ લાખથી વધુ ઘરોમાં લાગનાર આ સેટ ટોપ બોક્સ માટે હાલ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નાગરિકોના ધસારા વચ્ચે કેબલ ઓપરેટરો ગ્રાહકોને લૂંટે નહીં તે માટે મનોરંજન વિભાગે આજે એક બેઠકનું આયોજન કર્યું હતું.

નિવાસી અધિક કલેકટર અશોક મહેતાએ શહેરના કેબલ ઓપરેટરો સાથે બેઠક યોજી સેટ ટોપ બોક્સની કિંમત અંગે ચર્ચા કરી હતી. જેમાં ત્રણ મુખ્ય ઓપરેટરોએ ૭૯૯થી ૯૯૯ સુધીમાં સેટ ટોપ બોક્સ આપવાની તૈયારી દર્શાવી હતી. જેના પગલે ગ્રાહકો પાસેથી મહત્તમ ૧ હજાર સુધીની કિંમત લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે લાંબા વાયરિંગની સ્થિતિમાં ૧૦૦ ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે પણ લેવાની છૂટ આપવામાં આવી હતી.

સ્ટોક છે સ્ટાફ નથી

સેટ ટોપ બોક્સનો સ્ટોક પૂરતો હોવાનું ઓપરેટરો જણાવી રહ્યા હતા. પરંતુ આટલી મોટી સંખ્યામાં ઇસ્ટોલેશન કરવામાં સમય જાય છે. ડિજિટલ કનેકશન નિયમ પ્રમાણે એક્ટિવેટ કરવા માટે પૂરતો સ્ટાફ નહીં હોવાનું ઓપરેટરો જણાવી રહ્યા હતા.

સેટ ટોપ બોક્સની કિંમતમાં વિવાદ

ત્રણ ઓપરેટરો સેટ ટોપ બોક્સનું વિતરણ કરે છે. મહત્તમ રૂ.૧ હજારની કિંમત નક્કી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ઓપરેટરો રૂા.૧ હજારના બદલે રૂ. ૧૨૦૦ સુધીની રકમ વસૂલી રહ્યા છે. જેને લઈને વિવાદ થાય તેવી શક્યતાઓ છે.