સાવલી તાલુકાના કેપીના મુવાડા સુધી નર્મદાનું પાણી પહોંચાડવા રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે તેમના તાલુકામાં લોકપ્રશ્નોના નિરાકરણ અંતર્ગત સાવલી તાલુકાના કેપીના મુવાડા સુધી નર્મદા કેનાલનું પાણી પહોંચાડવા રજૂઆત કરી હતી.
ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, સાવલી તાલુકાના કેપીના મુવાડા સુધી નર્મદા કેનાલ હોવા છતાં નર્મદાનું પાણી મળતું નહોઇ નાગરિકો-ખેડૂતોને હાલાકી પડી રહી છે. તેમણે આ તકલીફ ટેકનિકલ કારણોસર સર્જાયો હોઇ તેનું નિરાકરણ લાવવાની માગણી કરી હતી. આ સંદર્ભમાં ટેકનિકલ મુશ્કેલીનો ઉકેલ લાવી પાણી મળતું થાય તેવી વ્યવસ્થા કરવાની સંબંધિત વિભાગના અધિકારીઓએ ખાતરી આપી હતી.
ધારાસભ્યે સાવલીમાં એસ.ટી.પીકઅપ સ્ટેન્ડ, 0 થી 20 આંકના વંચિત રહી ગયેલા લાભાર્થીઓનો યોજનાઓમાં સમાવેશ કરી લેવા તેમજ ડેસરમાં વહીવટી તલાટીની નિમણૂંક કરવાની જરૂર જેવી બાબતો વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી હતી.
કલેકટર વિનોદ પાવે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તમામ સાંસદ-ધારાસભ્યો દ્વારા દત્તક લેવાયેલા ગામોમાં વિકાસની પ્રક્રિયા એક સાથે શરૂ કરવા, શું કરવું તેનું મનોમંથન કરવાનો અનુરોધ કરવાની સાથે, આ અંગે એક સંકલિત બેઠક યોજવાની સૂચના આપી હતી. તેમણે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(એટીવીટી) અને તાલુકા સ્વાગત કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા અને લોક સંવાદ સેતુની સફળતા માટે આંતર ખાતા સંકલનને વધુ સુદ્રઢ બનાવવા ખાસ અનુુરોધ કર્યો હતો. આ ઉપરાંત લોક દરબારમાં રજૂ થયેલા પ્રશ્નો ઉકેલવા માટે આપવામાં આવેલી બાંહેધરીનું પાલન થાય તે માટે દર સોમવારે સમીક્ષા કરવા જણાવ્યું હતું.