તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધ-પૌંઆની જિયાફત સાથે શરદ પૂનમની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(શહેરીજનોએ શહેરના કમાટીબાગમાં ગ્રૂપ સાથે દૂધ-પૌંઆ સાથે પૂનમ ઉજવી હતી.)

-શહેરનાં મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

વડોદરા: મંગળવારે રાત્રે આસો માસની પૂનમના ચંદ્રના અજવાળે અને શીતળતાના સાંનિધ્યમાં શરદ પૂર્ણિમાનું પર્વ શહેરજનોએ પરંપરાગત રીતે આનંદોલ્લાસપૂર્વક મનાવ્યું હતું. શરદ પૂનમે શહેરમાં વિવિધ સ્થળોએ રાસ-ગરબા મહોત્સવમાં શહેરજનોએ ગરબે ઘૂમવાનો તેમજ મોડી રાતે દૂધ-પૌંવા અને ગરમાગરમ બટાકાવડાંની જિયાફત માણી આનંદ લૂંટ્યો હતો.

શરદ પૂનમના પર્વને મનાવવા શહેરજનોમાં ગજબનો થનગનાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને શરદ પૂનમની રાતે શહેરમાં વિવિધ સ્થળોએ રાસ-ગરબાના કાર્યક્રમોનું આયોજન થતાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. શહેરની પોળો અને સોસાયટીઓમાં શરદ પૂનમની રાતે 9 થી 12 દરમિયાન રાસ-ગરબાની રમઝટ જામતાં નવરાત્રિની યાદ તાજી થઇ હતી. એટલું જ નહીં, ગરબાના સમાપન બાદ દૂધ-પૌંવા અને ગરમાગરમ બટાકાવડાં આરોગવાનો આનંદ માણ્યો હતો. રાત પડતાં પોતાના ગ્રૂપ સાથે શરદપૂનમની ઉજવણીનો લહાવો માણ્યો હતો.