તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ દિવસની રજાઓ બાદ સરકારી કચેરીઓ અને બેંકો ધમધમતી થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-મિનિ વેકેશન બાદ ફરી કામગીરીનો ધમધમાટ
-કર્મચારીઓ હજુ વેકેશનના મૂડમાં : કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી
-બેંકોમાં નાણા ઉપાડવા, જમા કરવવા સહિ‌તની કામગીરી માટે ગ્રાહકોનો ધસારો રહયો

દિવાળી પર્વની ત્રણ રજાઓ પૂરી થયા બાદ આજે બુધવારથી વડોદરા શહેર-જિલ્લામાં આવેલી કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ તેમજ સરકારી-સહકારી બેંકો ધમધમતી થતાં કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો. ખાસ કરીને બેંકોમાં ત્રણ દિવસની રજાઓ બાદ બેંકિંગ કામગીરી હેતુ ગ્રાહકોને ભારે ધસારો રહ્યો હતો.

સરકારી-ખાનગી કચેરીઓ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકોમાં રવિવારે દિવાળીની રજા ઉપરાંત સોમવારે નવા વર્ષની અને મંગળવારે ભાઇબીજની ત્રણ સળંગ રજાઓ આવતાં કચેરીઓ-બેંકોમાં મીની વેકેશન જેવો માહોલ છવાયો હતો. જો કે, ત્રણ દિવસની રજાઓ પૂરી થતાં જ બુધવારથી શહેર-જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો આજે તેના નિયત સમયે ખૂલી જવા સાથે કામગીરી માટે લોકોનો ધસારો રહ્યો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓમાં કામ કરતા પ૦ ટકા જેટલાં કર્મચારીઓ દિવાળી પર્વની રજાઓના મુડમાં જ હોઇ કચેરીઓમાં કામકાજ માટે આવેલા નાગરિકોની સરખામણીમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ ત્રણ દિવસની રજાઓ બાદ બેંકો આજથી શરૂ થતાં બેંકિંગ કામગીરી માટે સવારે ૧૦ વાગ્યાથી જ ગ્રાહકોનો ધસારો રહ્યો હતો. શહેર-જિલ્લામાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં નાણાં જમા કરાવવા, ઉપાડવા, ડ્રાફ્ટ કઢાવવા, ચેક જમા કરાવવા સહિ‌તની કામગીરીનો આજે ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. જો કે, ક્લિયરિંગ હાઉસ ખાતે રજાઓ પછી આજના દિવસે ક્લિયરિંગ માટે આવતા ચેક્સનું પ્રમાણ આજે ઘણું ઓછું રહ્યું હતું.

બેંકના લોકર્સમાં દાગીના મૂકવા ધસારો
દિવાળી પર્વ પૂરું થયા બાદ આજે બેંકો ખુલતાં જ બેંકના લોકર્સમાં દાગીના સહિ‌ત કિંમતી આભૂષણો પરત મૂકવા માટે ગ્રાહકોનો ધસારો રહ્યો હતો. દિવાળી પર્વ અગાઉ ગ્રાહકો બેંકના લોકર્સમાં મૂકેલા તેમના દાગીના-આભૂષણો પહેરવા માટે લઇ જતા હોય છે. જો કે, દિવાળી પર્વ પૂરું થતાં દાગીના-આભૂષણો સલામત રહે તે માટે બુધવારે બેંકો ખુલતાં જ લોકર્સમાં મૂકવા આવનાર ગ્રાહકોની સંખ્યા વધારે રહી હતી.