પોલીસે બે મેમા અને મોટો દંડ ફટકારતાં રિક્શા ચાલકે ઝેર પીધું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મજબૂરી: ટ્રાફિક પોલીસની દાદાગીરીથી ત્રાસી રિક્શાચાલકનો આપઘાતનો પ્રયાસ
- ૧૮મી માર્ચે મેમો ફટકારી છ કલમ ઉમેરી મોટી રકમનો દંડ થાય તેવું કર્યું
- મહિ‌નામાં બે વાર રિક્શા ડિટેઇન કરી ૧,૮૦૦ અને ૭પનો દંડ ફટકાર્યો


રીઢા ગુનેગારને પોલીસ ધમકી આપે તો તે ઘોળીને પી જાય જ્યારે રીઢા ન હોય તેવા સામાન્ય વ્યક્તિને જો પોલીસની ધમકી મળે તો બિચારો શરમ કે ડરનો માર્યો ઝેર ઘોળી લે. એક તરફ ઘરે પેરાલિસિસથી પિડાતી બાળકીની સારવારનો થકવી દેતા ખર્ચ સામે ટ્રાફિક પોલીસની રોજે રોજ મળતી ધમકીથી ભિંસાતા એક રિક્શાચાલકે જિંદગીનો અંત લાવવાની કોશિષ કરી. રિક્શાચાલકના બયાનમાં પોલીસની દાદાગીરી અને ખુદની મજબુરી છલકાઇ છે.

રીઢા ઘોળી પી જાય, નિર્દોષ ઝેર ઘોળી લે

કારમી મોંઘવારીમાં મજૂરીનાં વલખાં, ઘરખર્ચનો ટાંગામેળ કરવા માટે પત્ની મીના બંગાલાઓમાં કામ કરવા જાય, ૧૦ વર્ષના પુત્ર તરુણનો અભ્યાસ અને લકવાગ્રસ્ત પુત્રી જ્યોતિની સારવારનો ખર્ચ પણ કાઢવો મુશ્કેલ હતો ત્યારે સગાસંબંધીઓએ મદદનો હાથ લંબાવતાં રોજગારીની આશાનું કિરણ જાગ્યું હતું. બે વર્ષ પહેલાં સ્વજનોએ ૪૦ હજાર ડાઉન પેમેન્ટ ભર્યું એટલે સાંઇનાથ ફાઇનાન્સમાંથી નવી-નક્કોર રિક્ષા લીધી. અભિલાષા ચોકડી પર છૂટક મજૂરી માટે કાગડોળે રાહ જોવાના સ્થાને રિક્ષાનાં પૈડાં પર મારા રોજગારની ગાડી પાટે ચઢી ગઇ હતી.

છાણી-સોખડા વચ્ચે શટલ રિક્ષા ચલાવી પરિવારના પેટનો ખાડો પૂરી રહ્યો હતો. કમાણીમાંથી બચત કરવી તો શક્ય ન હતી પણ આર્થિ‌ક બજેટને માંડ પહોંચી વળતો હતો. એવામાં છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીની આંખ ત્રાંસી થતાં મારા માથે આભ તૂટી પડયું . છેલ્લા કેટલાક સમયથી તો છાણી મોબાઇલ-૨માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રીતસરના મારી પાછળ પડી ગયા.

૨૩મી ફેબ્રુઆરીએ બપોરે હું રિક્ષા લઇને જતો હતો ત્યારે તેમણે મારી રિક્ષા ડિટેન કરી. આરટીઓના મેમાથી મને ૧૮૦૦ રૂપિયાનો દંડ થયો. દંડનો આંચકો હજુ શમ્યો ન હતો ત્યાં ૨ માર્ચે મને મેમો આપી ૭પ રૂપિયાનો ચાંલ્લો કરાવ્યો. એટલું જ નહિ‌, તે જ દિવસે મને અલ્ટિમેટમ પણ આપી દીધું કે હવે તારી રિક્ષા ડિટેન કરીશું.

૧૮મી માર્ચે બપોરે ફરી વાર રાજેન્દ્રસિંહ મને ભટકાઇ ગયા. તેમણે મારી રિક્ષા ડિટેન કરી મેમો પકડાવી દીધો. મેમોમાં ૬ કલમો ઉમેરી દઇ મને ફરી વાર મોટી રકમનો દંડ થાય તેવું કરી દીધું. દંડના રૂપિયા ક્યાંથી લાવીશ તેવી ચિંતા-ચિંતામાં જ મેં છાણીની દુકાનમાંથી ઉંદર મારવાનાં બિસ્કિટ લીધાં. અડધું બિસ્કીટ ત્યાં જ ખાધું અને બાકીનું એક બિસ્કિટ ઘરે જઇ ખાઇ લીધું. મારી તબિયત બગડતાં મને હોસ્પિટલમાં લઇ ગયા, સયાજી બાદ મને ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છે. એક જ મહિ‌નામાં બે-બે વાર મારી રિક્ષા ડિટેન કરી એટલે મેં મરવાનું પસંદ કરી પગલું ભર્યું હતું. ( છાયાપુરીની જયલક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા રિક્ષા ડ્રાઇવર પ્રકાશ રામાભાઇ માળી સાથે વાતચીતના આધારે)

પોલીસને કાલે ખબર પડી જશે?: પ્રકાશ

રિક્ષા ડ્રાઇવરના સાળા સંતોષ માળીએ જણાવ્યું હતું કે તેમના બનેવી અડધું બિસ્કિટ ખાઇને આવ્યા હતા, ઘરે આવીને બીજું બિસ્કિટ ખાઇ તેમણે મારી બહેન સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે કાલે પોલીસને ખબર પડી જશે.

રાજેન્દ્રસિંહ નામના હેડ કોન્સ્ટેબલ

છાણી પોલીસ સ્ટેશનમાં બે રાજેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ છે.બંને આરડી જ તરીકે ઓળખાય છે. એકનું નામ રાજેન્દ્રસિંહ દશરથસિંહ અને બીજાનું રાજેન્દ્ર દિલાવરસિંહ છે. પ્રકાશે કોના લીધે પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

હું તપાસ કરાવું છું :

મને રિક્શાચાલકના અંતિમ પગલાંના બનેલા બનાવ અંગે કોઇ જાણ નથી. હું આ મામલે તપાસ કરાવું છું. - એ.જે.ભગોરા, પીઆઇ-છાણી પોલીસ સ્ટેશન