૨૨ દિવસ બાદ રઝળતી ઉતરવહીનો રિપોર્ટ : સસ્પેન્સ યથાવત્

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલોલ- જરોદ રોડ ખાતે ધો.૧૨ કોમર્સની સંસ્કૃત વિષયની ૩૯ ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળવાના પ્રકરણની ર્બોડે પોતાની તપાસ ૨૨ દિવસ બાદ પૂર્ણ કરી દીધી છે. હવે ર્બોડના પરીક્ષા સચિવ અને તપાસ અધિકારી બે દિવસમાં રસ્તે રઝળતી મળેલી ૩૯ ઉત્તરવહીઓ અંગેને પોતાનો તપાસ રિપોર્ટ ર્બોડના ચેરમેનને સોંપશે.

ધો.૧૨ કોમર્સની સંસ્કૃતની ૩૯ ઉત્તરવહીઓ જરોદ પાસેથી રસ્તે રઝળતી મળતાં જ રાજ્યભરના વિદ્યાર્થી-વાલીઓ તેમજ શિક્ષણિવદોમાં ભારે સન્નાટો છવાઇ ગયો હતો. એમાંય ૩૯ ઉત્તરવહીઓ પૈકી એક ઉત્તરવહી રાજકોટના વિદ્યાર્થીની હોવાનું બહાર આવતાં જ રાજકોટના ધો.૧૨ના હજારો વિદ્યાર્થી અને વાલીઓમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જા‍ઇ હતી. મીની બસમાં મુલ્યાંકન કેન્દ્ર પર લઈ જવાતી વેળા આ ઉત્તરવહીઓ બારીમાંથી પડી ગઈ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. રાજ્યભરમાં મચેલા ભારે હોબાળા વચ્ચે ર્બોડના ચેરમેન આર.આર.વરસાણીએ તાત્કાલિક અસરથી ર્બોડનાપરીક્ષા સચિવ જી.ડી.પટેલને સમગ્ર પ્રકરણની તપાસ કરવાનો આદેશ કર્યો હતો. ર્બોડના ચેરમેનના આદેશ બાદ પરીક્ષા સચિવ જી.ડી.પટેલે તેમની તપાસ હાથ ધરી હતી.

ર્બોડના પરીક્ષા સચિવે છેલ્લા ૧૦ દિવસમાં ઝડપભેર પોતાની તપાસ હાથ ધરીને ૩૯ ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવવાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. આ રિપોર્ટમાં ઉત્તરવહી લઈ જવાઈ હતી તે મિનિબસના ડ્રાઇવર, ર્બોડના પટાવાળા અને પોલીસ સ્ટાફની નિષ્કાળજીને ધ્યાનમાં લેવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. જોકે રિપોર્ટમાં શુ નક્કર તપાસ કરાઈ છે અને ક્યાક ક્ષતિ કે બેદરકારી રહી ગઈ છે. તે બાબતોનું સસ્પેન્સ યથાવત્ રહ્યું છે.

રિપોર્ટ અંગે નો કોમેન્ટ : પરીક્ષા સચિવ

સંસ્કૃતની ૩૯ ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળવાના પ્રકરણની તપાસ કરી રહેલા ર્બોડના પરીક્ષા સચિવ અને તપાસ અધિકારી જી.ડી.પટેલે જણાવ્યું હતું કે, ૩૯ ઉત્તરવહીઓ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. ર્બોડના ચેરમેનનો સમય લીધો છે. બે દિવસની અંદર ર્બોડના ચેરમેન આર.આર.વરસાણીને સોંપી દઇશ. તપાસ રિપોર્ટ અંગે આનાથી વધારે હું કાંઇ જ નહીં કહી શકું.