AIIMS માટે ચોકારીની 200 એકર જમીન માટે ભલામણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- AIIMS માટે ચોકારીની 200 એકર જમીન માટે ભલામણ
- જમીન માટે કલેક્ટર દ્વારા સર્વે કરાયો હતો
વડોદરા : વડોદરાને એઇમ્સ ફાળવવામાં આવે તેવી શકયતાઓના પગલે રાજ્ય સરકાર દ્વારા વડોદરા નજીક જમીન શોધવા બાબતે કલેકટર કચેરીને સૂચના અપાયા બાદ આજે જિલ્લા કલેકટરે પાદરા તાલુકાના ચોકારી ગામ પાસે તૈયાર થનારા નોલેજ સિટીમાં 200 એકર જમીન પર એઇમ્સ બનાવી શકાય છે તેવી ભલામણ રાજ્ય સરકારને મોકલી આપી છે. એઇમ્સની ફાળવણી માટે ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે, ત્યારે શહેર નજીક એઇમ્સ માટે જમીન શોધવાની કવાયત છેલ્લા બે દિવસથી કલેકટર કચેરી દ્વારા કરવામાં આવી હતી.

વડોદરામાં દેશની પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થા એઇમ્સ શરૂ કરવા યોગ્ય જમીન શોધવા માટે કલેકટર કચેરી દ્વારા સર્વે શરૂ કરાયો હતો. કલેકટર ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે પાદરા તાલુકાના ચોકારી ગામ પાસે તૈયાર થનારા નોલેજ સિટીની 200 એકર જમીનમાં એઇમ્સ બનાવી શકાય છે તે અંગેની ભલામણ આજે રાજ્ય સરકારને મોકલી દેવાઇ છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં એક એઇમ્સ ફાળવવામાં આવશે તેવી જાહેરાત કર્યા બાદ વડોદરા અથવા રાજકોટમાં એઇમ્સ ફાળવાશે તેવી શકયતાઓ વધી ગઇ હતી.

બે દિવસ પહેલાં રાજ્ય સરકારે વડોદરામાં એઇમ્સ માટે જમીન શોધવા કલેકટર કચેરીને જણાવ્યું હતું. જેથી શનિવારે કલેકટર કચેરીમાં ખાસ બેઠક બોલાવાઇ હતી અને વડોદરા શહેરની આસપાસ કયા સ્થળે એઇમ્સ બનાવી શકાય છે તે અંગેનો સર્વે શરૂ કરાયો હતો. કલેકટર કચેરી દ્વારા છેલ્લા બે દિવસથી પાદરા અને વાઘોડિયાની નજીક જમીન માટે સર્વે ચાલી રહ્યો હતો પણ આજે પાદરા તાલુકાના ચોકારી ગામે તૈયાર થનારા નોલેજ સિટીની 200 એકર જમીન પર કલેકટરે પસંદગીનો કળશ ઢોળ્યો છે.

કલેકટર દ્વારા મોકલાયેલી જમીન અંગેની ભલામણનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર આ અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલશે. ચોકારીના નોલેજ સિટીની 200 એકર જમીન પૈકી 80 એકર જમીનમાં એઇમ્સ બનાવી શકાય છે તેમ કલેકટર કચેરીનાં સૂત્રોએ જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સ માટે વડોદરા અને રાજકોટ શહેર વચ્ચે મુખ્યત્વે સ્પર્ધા ચાલી રહી છે.
એઇમ્સ માટે વડોદરા પહેલેથી જ દાવેદાર
કેન્દ્ર સરકારે ગુજરાતને એઇમ્સ ફાળવાશે તેવી જાહેરાત કર્યા બાદ વડોદરા એઇમ્સ માટે તમામ રીતે સંપુર્ણ યોગ્ય શહેર છે તે અંગેની રજૂઆતો કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવી હતી. વડોદરાને એઇમ્સ ફાળવાય તે માટે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરી હતી.

શહેરની વિવિધ સંસ્થાઓએ પણ વડાપ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખીને રજૂઆતો કરી હતી. એઇમ્સ વડોદરામાં જ સ્થપાય તેવી માંગ શહેરમાં પ્રબળ જોવા મળી રહી છે ત્યારે રાજય સરકારે વડોદરામાં જમીન શોધવાનું કલેકટર કચેરીને જણાવતા એઇમ્સની આશા પણ પણ પ્રબળ બની છે.