બ્રિજેશ-જયવિજય કેસ: Dy.SP ઉષા રાડાની રેન્જ આઇજીએ સ્પષ્ટતા માગી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિજેશ-જયવિજય સામેની તપાસનું સુપરવિઝન કરનાર
કરોડોની જમીન કૌભાંડમાં સંડોવાયેલા નિવૃત્ત પી.આઇ. કાભાઇ ચૌહાણના પુત્ર બ્રિજેશ અને જયવિજય સામે નોંધાયેલી ફરિયાદનું સુપરવીઝન કરનાર ડીવાયએસપી ઉષા રાડાએ તેમની પાસેથી આ કેસનું સુપરવીઝન પરત લઇ લેવાની ડીએસપી સમક્ષ રજૂઆત કરતાં નાયબ પોલીસ મહાનિરિક્ષક (વડોદરા રેન્જ)એ ઉષા રાડાને આ અંગે સ્પષ્ટતાં કરવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નિવૃત્ત પી.આઇ. કાભાઇ ચૌહાણના પુત્ર બ્રિજેશ અને જયવિજયની જમીન કૌભાંડના કેસીસનું સુપરવીઝન ડીવાયએસપી ઉષા રાડા કરતાં હતાં. ઉષા રાડાના ચૌહાણ પરિવાર સાથેના ઘનિષ્ઠ સબંધોની વિગતો 'દિવ્ય ભાસ્કર’માં પ્રસિદ્ધ થતાં જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી.
દરમિયાનમાં જિલ્લા પોલીસ વડા સંદીપસિંઘ રજા પર જતાં ડીએસપીનો ચાર્જ ઉષા રાડાને સોંપાનાર હતો ત્યારે શુક્રવારે અચાનક જ ઉષા રાડાએ ડીએસપીને મૌખીક રજૂઆત કરી હતી કે, તેઓ આ તપાસના સુપરવીઝનથી દુર થવા માંગે છે. જે અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા ક્ર્યા બાદ તેમની પાસેથી તપાસનું સુપરવીઝન આંચકી લઇને સુપરવીઝન ડભોઇના ડીવાયએસપી આર.ડી.પટેલને સોંપવામાં આવ્યું હતું.
જો કે, ઉષા રાડાની રજૂઆતને નાયબ પોલીસ મહાનિરિક્ષક (વડોદરા રેન્જ)એસ.એસ.ત્રિવેદીએ ઊષા રાડાની સ્પષ્ટતા માંગી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, 'દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ ડીવાયએસપી ઉષા રાડાની સ્પષ્ટતાં પુછવામાં આવી છે કે, તેમણે સતત દસ દિવસ સુધી ફરિયાદનું સુપરવીઝન કર્યુ છે અને ત્યાર બાદ તેઓ કેમ સુપરવીઝનમાંથી દુર થવા માંગે છે ? આ ઉપરાંત તેમના અને આરોપીઓના પરિવાર વચ્ચે જો ઘનિષ્ઠ સબંધ હોય તો અત્યાર સુધી તપાસનું સુપરવીઝન શા માટે કર્યુ ? અને આ બાબત પહેલા કેમ ધ્યાન પર લાવવામાં ન આવી ?
રેન્જ આઇ.જી.એ વધુમાં જણાવ્યું હતું કે, સુપરવીઝનમાંથી દુર કરવામાં આવેલા ઉષા રાડા દ્વારા જે સ્પષ્ટતાં કરવામાં આવશે તે સંતોષકારક નહી હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સરતચૂક
'ઉષા રાડા પાસેથી બ્રિજેશ-જયવિજયના કેસોનું સુપરવિઝન આંચકી લેવાયું’વાળા ન્યૂઝમાં રીટા ઘનશ્યામસિંહ અસવારના સ્થાને સરતચૂકથી રીટાના બદલે ઊષા લખાયું છે. ઉષા રાડા અને ઘનશ્યામસિંહ અસવારને કોઇ સબંધ નથી. જેની વાચકોએ નોંધ લેવી.