બાંદ્રા ટર્મિ‌નસ-ભૂજ વચ્ચે પૂજા વિશેષ ટ્રેન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રાદ્ધ પર્વ, નવરાત્રિ પર્વ અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા હેતુ પ‌શ્ચિ‌મ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિ‌નસથી ભૂજ વચ્ચે પૂજા વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ પૂજા વિશેષ ટ્રેન સાપ્તાહિ‌ક ધોરણે રહેશે. એટલું જ નહીં પૂજા વિશેષ સાપ્તાહિ‌ક સુપર ફાસ્ટની કુલ-૨૬ ટ્રિપો ચલાવાશે. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ ભૂજની નજીક નારાયણ સરોવર ખાતે શ્રાદ્ધ પર્વમાં પિતૃ તર્પણનું અનન્ય ધાર્મિ‌ક મહાત્મ્ય છે. જેથી શ્રાદ્ધ પર્વમાં નારાયણ સરોવર ખાતે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જાય છે. આ ઉપરાંત નવરાત્રિ પર્વમાં ભૂજથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલા માતાના મઢ ગામે આશાપુરા માતાજીના મંદિરના દર્શને હજારોની સંખ્યામાં માઇ ભક્તો જાય છે. આ સંજોગોમાં પ‌શ્ચિ‌મ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિ‌નસથી ભૂજ વચ્ચે પૂજા વિશેષ ટ્રેન ચલાવવાનું નક્કી કરાયું છે. બાંદ્રા ટર્મિ‌નસથી ભૂજ વચ્ચેની સાપ્તાહિ‌ક સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન તા.પ મી ઓક્ટોબરથી તા.૨૮ ડિસેમ્બર-૨૦૧૨ સુધી ચાલશે. બાંદ્રા ટર્મિ‌નસથી દર શુક્રવારે રાત્રે ૨૩.પપ કલાકે આ ટ્રેન ઉપડી બીજા દિવસે બપોરે ૧.૧પ કલાકે ભૂજ પહોંચશે. જ્યારે ભૂજથી આ વિશેષ સાપ્તાહિ‌ક ટ્રેન તા.૬ ઓક્ટોબરથી તા.૨૯ ડિસેમ્બર સુધી ભૂજથી દર શનિવારે બપોરે ૩.૦પ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૪.પપ કલાકે બાંદ્રા ટર્મિ‌નસ ખાતે પહોંચશે. આ સાપ્તાહિ‌ક વિશેષ ટ્રેનને બંને તરફના રૂટ પર અંધેરી, બોરીવલી, સુરત,વડોદરા, અમદાવાદ,ગાંધીધામ, ભચાઉ તથા અંજાર સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેનોનું બુકિંગ તા.૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે.