કઠોળના ભાવમાં કડાકો, દિવાળી સુધરવાનાં એંધાણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતોષકારક વરસાદથી મબલખ પાકની શક્યતાને પગલે કઠોળના ભાવ ઘટી ગયા ચણાદાળ, મઠદાળ અને અડદદાળનો ભાવ પ્રતિકિલોગ્રામે ૭ થી ૨પ સુધી નીચો ઊતરી જતાં ગૃહિ‌ણીઓ હરખાઇ ઊઠી ગુજરાતમાં મોડેમોડે ચોમાસાની જમાવટ થયા બાદ સંતોષકારક વરસાદ થવાને કારણે અનાજ-કઠોળનું મબલખ ઉત્પાદન થવાની શક્યતા સર્જા‍ઇ છે. જેથી અનાજ-કઠોળનો નવો પાક બજારમાં આવતાં પહેલાં જ કઠોળના ભાવમાં જોરદાર કડાકો બોલી જતાં ગ્રાહકો રાજીનાં રેડ થઇ ગયાં છે. કઠોળના ભાવમાં ઘટાડો હજુ પણ જારી રહે તેવી શક્યતાને લઇ નાગરિકોની દિવાળી સુધરી જાય તેવાં એંધાણ વર્તાયાં છે. દિવાળીના પર્વને આડે હવે દોઢ મહિ‌નાનો સમય બાકી રહ્યો છે. તે પહેલાં સિંગતેલના આસમાને પહોંચેલા ભાવમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો હોઇ મોંઘા ભાવે સિંગતેલ ખરીદનારાં ગ્રાહકોને હાશકારો થયો છે. સિંગતેલની સાથેસાથે હવે કઠોળના ભાવમાં પણ ધીમે પગલે ઘટાડો શરૂ થતાં ગ્રાહકોને ફાયદો થયો છે. કઠોળના ભાવમાં થઇ રહેલા ઘટાડાને કારણે દિવાળી પર્વે ખાસ ઉપયોગમાં લેવાતી ચણાદાળ, મઠદાળ અને અડદદાળનો ભાવ પ્રતિકિલોગ્રામે ૭ થી ૨પ સુધી નીચો ઉતરી જતાં ગૃહિ‌ણીઓ હરખાઇ ઊઠી છે. ગયા વર્ષે દિવાળી પર્વે ચણાદાળ, મઠદાળ અને અડદદાળનો ભાવ ઓછો થયા બાદ છેલ્લા ૧૦ મહિ‌નાથી કઠોળના ભાવ વધ્યા હતા. ભાવ વધવાને કારણે કઠોળનો પ્રતિકિલોગ્રામનો સરેરાશ ભાવ ૭૦ થી ૧૦૦ ની મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો. કઠોળ મોંઘું થતાં ભોજનમાં એક ટંક કઠોળ આરોગતા પરિવારોના બજેટમાં વધારો થયો હતો. જોકે, છેલ્લા એક સપ્તાહથી કઠોળના ભાવ ઘટતાં છેલ્લા ૧૦ મહિ‌નાથી મોંઘા ભાવનું કઠોળ ખરીદનારાં ગ્રાહકોને આર્થિ‌ક ફાયદો થયો છે. દિવાળી પર્વ ઢુંકડે છે ત્યારે કોઠના ભાવમાં ઘટાડો થતાં ગૃહ બજેટમાં રાહત થશે. કઠોળના જૂના અને નવા ભાવનું સરવૈયું સિંગતેલમાં રૂ.૨૪૦ નો ઘટાડો સિંગતેલના ભાવ ડબ્બાના ૨૧૯૦ ની મહત્તમ સપાટીએ પહોંચતાં ખરીદી ઘટી ગઇ હતી.જો કે મગફળીની નવી આવક શરૂ થતાં સિંગતેલના ભાવમાં કડાકો બોલી રહ્યો છે. શુક્રવારે ડબ્બે ૪પ ઘટયા બાદ સિંગતેલના ૧પ કિલોગ્રામના ડબ્બાનો ભાવ ૧૯પ૦ થવા પામ્યો છે. સિંગતેલના ભાવમાં ૨૨ દિવસમાં ૨૪૦ નો ઘટાડો નોંધાયો છે. કઠોળના ભાવ હજી ઘટી શકે છે નવો પાક આવતાં પહેલાં કઠોળના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘટાડો ચાલુ રહે તો કઠોળ હજુ સસ્તુ થશે. દિવાળી પર્વે કઠોળના ભાવ ઓછા રહેશે.-ઇકબાલભાઇ ડભોઇવાલા, જથ્થાબંધ વેપારી