પીઓપીની મૂર્તિ રોકવાને બદલે સફાઈનું સગવડિયું વચન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારના પરિપત્રના આધારે પોલીસે મૂર્તિકારો અને ગણેશ મંડળો સાથે મિટિંગ યોજી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ન બનાવવા સૂચના આપી શહેરના રાજકીય નેતાઓ પણ ગણેશ મંડળને તમે ગભરાવ નહીં તમારી તૈયારીઓ શરૂ કરી દો તેમ કહી રહ્યાં છે વન અને પર્યાવરણ વિભાગના પરિપત્ર બાદ આ વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓની સ્થાપના કરવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવતાં તેના અનુસંધાનમાં પોલીસે મૂર્તિકારો અને ગણેશ મંડળો સાથે મિટિંગ યોજી પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ ન બનાવવા માટેની સુચનાઓ આપી હતી. જો કે, આ બાબતે રાજકીય સ્વરૂપ ધારણ કરી લેતાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય નેતાઓ દ્વારા પીઓપીની મૂર્તીઓ ન બને તે માટેના પ્રયાસો કરવાને બદલે તળાવોની સફાઈ કરાવી લેવાનુ સગવડીયું વચન આપી રહ્યા છે. જેને કારણે પ્રદૂષણનો મુદ્દો હાંસિયામાં ધકેલાઈ તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓની સ્થાપના ન કરવી તેવો સરકારે પરિપત્ર દ્વારા આદેશ કર્યો હતો. પી.ઓ.પી.ના કારણે રાજ્યના તળાવો અને નદીઓમાં પ્રદુષણની ગંભીર સમસ્યાઓ ઉભી થઇ હોવાથી આ પરિપત્રનો અમલ થાય તે માટે પોલીસ ખાતાએ શહેરના તમામ ગણેશ મંડળો અને મૂર્તિકારો સાથે મિટિંગો યોજીને આ વર્ષે માટીની મૂર્તિઓની જ સ્થાપના કરવાનો આદેશ કર્યો હતો.જેનાથી વિવિધ મંડળોમાં રોષ ફેલાઇ ગયો હતો. તેમણે રાજકીય નેતાઓનું શરણુ લઇ પોલીસની કડકાઇ સામે રક્ષણ આપવાની રજુઆત કરવાની સાથે સાથે પરક્ષો રીતે સામે ચૂંટણી આવી રહી હોવાની વાત પણ કરી દેતા રાજકીય નેતાઓ પણ સચેત થઇ ગયા હતા અને તેમણે અંદરખાને પોલીસને આ બાબતે વધુ કડકાઇ ન દાખવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા. વિવિધ મંડળોએ જણાવ્યું હતું કે, તેમને વિવિધ રાજકીય નેતાઓએ ડર રાખ્યાં વગર પી.ઓ.પી.ની મૂર્તિઓની સ્થાપના કરવાનું જણાવી દીધું હોય તેમણે મૂર્તિના ઓર્ડર આપી દીધા હોવાનું જણાવ્યું હતું, તો બીજી તરફ મૂર્તિકારોએ પણ તેઓ મોટી પી.ઓ.પી.ની મૂર્તિના ઓર્ડર મળતાં મૂર્તિઓ બનાવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ગાઇડ લાઇનનું પાલન કરી તળાવ સાફ કરાવીશુ : સ્થાયી ચેરમેન ૧૬ તળાવ અને એક નદીમાં દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરીસની દસ હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થતું હોય આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ.વિજય શાહે જણાવ્યું હતું કે, આ મુદ્દે હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. હાઇકોર્ટ અને વન અને પર્યાવરણ મંત્રાલયની ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવશે. હાલના તબક્કે એવી વિચારણા ચાલી રહી છે કે, જે કોઇ પણ તળાવમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓનું વિસર્જન થશે તે તળાવની ૪૮ કલાકમાં સફાઇ કરવામાં આવશે. સુરસાગરમાં પાંચ હજારથી વધુ મૂર્તિનું વિસર્જન થાય છે વડોદરા શહેરમાં દર વર્ષે ૧૬ તળાવ અને એક નદીમાં દસ હજારથી વધુ શ્રીજીની મૂર્તિનું વિસર્જન થાય છે, જેમાં પી.ઓ.પી.ની મૂર્તિઓનું પ્રમાણ ૯૦ ટકાથી વધુ હોય છે. એક અંદાજ મુજબ સુરસાગર તળાવમાં જ ૫૦ ટકા મૂર્તિઓનું વિસર્જન થાય છે. સુરસાગર ઉપરાંત શહેરમાં ગોત્રી, બાપોદ, દંતેશ્વર, અટલાદરા, હરણી, સરસન્યા સહિતના ૧૬ તળાવમાં ગણેશ વિસર્જન થાય છે તો સુરસાગર બાદ સૌથી વધુ મહી નદીમાં શ્રીજી વિસર્જન થતું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પીઓપી પાણીમાં ઓક્સિજન ઘટાડે છે પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં પેદા થાય છે. જે જમીનના તળ પર જામી જતાં વનસ્પતિઓના મૂળિયા જમીનમાં ખૂંપતાં નથી વનસ્પતિ નષ્ટ પામતા ઓક્સિજન ઘટી જાય છે. આ ઉપરાંત સલ્ફર, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો પણ પીઓપીની મૂર્તિ સાથે ભળતાં જળચરોને પણ તેની ઝેરી અસરનો ભોગ બનાવે છે.- મુકેશ પાઠક, સીઈઓ,ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી, વડોદરા પીઓપી કાયદાથી પ્રતિબંધિત નથી પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ પ્રતિમામાં ન કરવો જોઈએ તેવો કોઈ નિયમ નથી. કાયદાથી પ્રતિબંધિત પણ નથી છતાં કોર્ટે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગ બાબતે માર્ગદિર્શકા આપી છે. તળાવોમાં વિસર્જન માટે અલગ સેકશન બનાવવું, અંદર પરફોરેટેડ લાઈનર્સ (ઝીણી જાળી )નાંખવા અને વિસર્જન બાદ તેને કાઢી લેવાના સૂચન કર્યા છે.-આર.બી. ત્રિવેદી, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી રજિસ્ટ્રેશન કરતાં વધુ મૂર્તિનું વિસર્જન દર વર્ષે શહેરના તળાવ અને નદીમાં રજિસ્ટ્રેશન થયેલાં શ્રીજી કરતાં ચારગણી શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન થતું હોવાના કારણે પ્રદૂષણની સમસ્યા દર વર્ષે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ગત વર્ષે નોંધાયેલી શ્રીજીની મૂર્તિઓ પાણીગેટ૧૫૩ વાડી-૧૫૮ મકરપુરા-૧૮૧ માંજલપુર- ૧૩૯ રાવપુરા-૫૮ નવાપુરા-૧૧૩ જે.પી.રોડ-૪૩ ગોત્રી-૧૬૭ કિશનવાડી-૯૫ સિટી-૧૫૫ કારેલીબાગ-૧૪૮ છાણી-૭૬ સયાજીગંજ-૭૪ ફતેગંજ-૧૩૩ ગોરવા-૨૦૫ જવાહરનગર-૧૫૭ કુલ-૨૦૫૫